રાજકોટના સ્પીડવેલ ચોકમાં બનેલી ઘટના, માળિયા હાટીનાના ખોરાસા ગામના આરોપીની ધરપકડ
હત્યાની ઘટનાના ભયાનક દૃશયો સીસીટીવીમાં કેદ, બે યુવાનોએ મૃતકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી પોલીસ દોડતીથી થઈ ગઈ હતી. જેમાં રાજકોટ શહેરમાં અંકુર વિદ્યાલય પાસે રહેતા યુવકને માળિયા હાટીનાના ખોરાસા ગામે રહેતા શખ્સે છરીના સાતેક ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.જેમાં આરોપીએ પોતાની બહેનને મૃતક હેરાન કરતો હોવાનો શંકાએ આ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતો મુજબ,રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ગઈકાલે સાંજે સરાજાહેર નિલેશ હરિભાઈ ધોકીયા (ઉ.વ.43)ની આરોપી મહેશ દિનેશ જેઠવા (રહે. ખોરાસા ગામ, તા. માળીયા હાટીના)એ છરીના અડધો ડઝનથી વધુ ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ તાલુકા પોલીસમાં જાહેર થયો હતો.આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસના પીઆઇ ડી.એમ.હરિપરા,પીએસઆઇ બોગાભાઈ ભરવાડ એલસીબી ઝોન.2ના પીએસઆઇ ઝાલા અને સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને પોલીસે ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ પૂછપરછ કરતાં પોતાની પરિણીત બહેનને મૃતક હેરાન કરતો હોવાથી પતાવી દીધાની કબુલાત આપી છે.
તાલુકા પોલીસની તપાસમાં ખુલ્યા પ્રમાણે નિલેશ આરોપી મહેશની પરિણીત બહેન પ્રજ્ઞાાને મેસેજ કરી કે બીજી કોઈ રીતે હેરાન કરતો હતો. જેને કારણે બંને વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઈ હતી. ફરીથી નિલેશે આરોપી મહેશને સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક વાતચીત કરવા માટે બોલાવ્યો હતો.
જયાં પહોંચ્યા બાદ નિલેશ એક વોટરકુલરમાં પાણી પી થોડો આગળ પહોંચ્યો તે સાથે જ પાછળથી ઘસી આવેલા આરોપી મહેશે તેને પાછળના ભાગે છરીના બે જેટલા ઘા ઝીંકી દેતાં નીચે પટકાયા બાદ ફરીથી છરી વડે તૂટી પડયો હતો.
આ રીતે છરીના અડધો ડઝનથી વધુ ઘા ઝીંકી નિલેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ બાઈક લઈને ભાગી ગયો હતો. માહિતી મળી જતાં તત્કાળ પોલીસે તેને ગાંધીગ્રામ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. જે ફૂટેજ પોલીસે તપાસના કામે કબજે લેવા તજવીજ શરૂૂ કરી છે. આ હત્યાની ઘટનામાં આજુબાજુની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી અને હત્યા કરનાર મહેશના હાથમાં છરી ઝુટવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પર ઝનુન સવાર હોય તેમ નિલેશ પર છરી લઈ તૂટી પડ્યો હતો.
પોલીસે અંકુર વિદ્યાલય પાસે ગુરૂૂપ્રસાદ ચોક નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા મૃતકના ભાઈ રમેશ હરિભાઈ ધોકિયા(ઉ.45)ની ફરિયાદ પરથી મહેશ દિનેશ જેઠવા સામે ખૂનનો ગુનો નોંધ્યો હતો.બનાવ બન્યો ત્યારે રમેશ કોઝી કોર્ટ યાર્ડ ખાતે ફર્નિચર કામ કરતો હતો. તેના ફઈબાના પુત્ર નરેશ ટાંકે ઘટના અંગે જાણ કરતાં સ્થળ પર દોડી ગયો હતો. જોયું તો તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. 108ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ત્યારબાદ તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.પોલીસે જણાવ્યું કે આરોપી મહેશ ફેબ્રિકેશનનું કામ કરે છે. હાલ તેની રાજકોટમાં સાઈટ ચાલુ છે.
નિલેશના મોતથી બંને સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
હત્યાનો ભોગ બનનાર નિલેશ અંકુર વિદ્યાલય મેઈન રોડ પર વૃંદાવન સોસાયટી શેરી નં.4માં રહેતો હતો અને ફર્નિચરનું કામ કરતો હતો. સંતાનમાં તેને 1પ વર્ષનો પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. તેની સાથે તેની પત્ની ભાવના, ભાઈ રમેશ, માતા મધુબેન પણ રહેતા હતા.
નિલેશના મોત બાદ પણ આરોપી મહેશ તેમને છરી અને લાતો મારતો રહ્યો!
સીસીટીવીમાં દેખાતા દૃશ્યો મુજબ નિલેશ અને મહેશ જેઠવા બંને અલગ-અલગ બાઈક પર એકસાથે જ આવતા નજરે પડે છે.બાદમાં નિલેશ આગળની તરફ જઈને પાણીના કૂલર પાસે જઈને ગ્લાસમાં પાણી ભરીને પીવે છે.આ સમયે મહેશ હાથમાં પાછળ ચાકૂ લઈને નિલેશ તરફ આગળ આવે છે અને એક બાદ એક ચાકુના ઘા ઝીંકે છે. આ ઘટના દરમિયાન બે-ત્રણ લોકો વચ્ચે પડીને મહેશને સાઈડમાં લઈ જઈને નિલેશને બચાવવાનો પ્રયાસ કરે છે પણ તેમના હાથમાંથી છૂટીને મહેશ પાછો નિલેશને છરીના ઘા ઝીંકે છે. નિલેશનું મોત થયા બાદ પણ મહેશ તેને છરી અને લાતોથી મારતો રહ્યો. આ હત્યા કરીને મહેશ તુરંત જ બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.
