વિદ્યાર્થિનીનો હાથ પકડી, ‘તારે આ જ સ્કૂલમાં કોમર્સ ભણવાનું છે, મને પ્રોમીસ કર’ કહી છેડતી કરી : આચાર્યની ધરપકડ
શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરમાં પ્રકાશમાં આવી છે. પાળીયાદ રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યએ શાળાની જ સગીર વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આટલું જ નહીં, જ્યારે પીડિતના પિતા ન્યાય માંગવા ગયા ત્યારે આચાર્યએ જ્ઞાતિ વિષયક અપમાનિત કરી ગંભીર ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ અનુસાર, આ ઘટના ગત તારીખ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે બની હતી.
ભોગ બનનાર 15 વર્ષીય વિદ્યાર્થિની જ્યારે આચાર્ય દિનેશ પરશોત્તમભાઈ ભુવાની ઓફિસમાં કાતર લેવા માટે ગઈ ત્યારે, આચાર્યએ તેની મર્યાદા ઓળંગી હતી. આચાર્યએ વિદ્યાર્થિનીનો હાથ પકડીને પોતાની કમર પર રખાવ્યો હતો અને “તારે આ જ સ્કૂલમાં કોમર્સમાં ભણવાનું છે, મને પ્રોમીસ કર” તેમ કહી શારીરિક અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિનીએ ઘરે જઈને માતા-પિતાને આપવીતી જણાવતા જાણવા મળ્યું હતું કે, આચાર્યએ અન્ય બે વિદ્યાર્થીઓ સાથે પણ અગાઉ આવી જ રીતે અયોગ્ય વર્તન કર્યું હતું.
તા. 18 ફેબ્રુઆરીના રોજ જ્યારે પીડિત વિદ્યાર્થિનીના પિતા અને અન્ય વાલીઓ શાળાએ પહોંચ્યા અને CCTV ફૂટેજ ચેક કરવાની માગ કરી, ત્યારે આચાર્યએ સહકાર આપવાને બદલે વાલીઓનું જ્ઞાતિ વિષયક અપમાન કર્યું હતું. આચાર્યએ ઉદ્ધત ભાષામાં કહ્યું કે, આ જ કારણથી અમે તમારા જેવા લોકોને શાળામાં એડમિશન આપતા નથી. ત્યાર બાદ વાલીઓએ પોલીસની મદદ લેતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો. બોટાદ ટાઉન પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીની ફરિયાદના આધારે આચાર્ય દિનેશ ભૂવા વિરુદ્ધ બી.એન.એસ (BNS): કલમ 75(1)(શ) પોક્સો એક્ટ (POCSO): કલમ 11(4) અને 12 અને એટ્રોસિટી એક્ટ: કલમ 3(1)(િ), 3(1)(ત), 3(1)ઠ(શ) અને 3(2)(દફ) સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધીક્ષક (DySP)ને સોંપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થામાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓ આરોપી આચાર્ય સામે કડકમાં કડક પગલાંની માગ કરી રહ્યા છે.
