રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ દ્વારા અનારક્ષિત ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે રેલવે બોર્ડ દ્વારા ’રેલવન’ એપ પર ટિકિટ બુકિંગ પર 3 ટકા લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્તમાનમાં રેલવન એપ પર આર-વોલેટ (R-Wallet) દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવા પર મુસાફરોને 3 ટકા બોનસ કેશબેકની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધાને વધુ વ્યાપક બનાવતા રેલવે બોર્ડે નિર્ણય લીધો છે કે હવે આર-વોલેટ સિવાયના તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમોજેમ કેUPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ વગેરેદ્વારા રેલવન એપ પર ટિકિટ બુક કરવા પર મુસાફરોને ટિકિટના મૂલ્ય પર 3 ટકાનું ડિસ્કાઉન્ટ (છૂટ) આપવામાં આવશે. જોકે, આર-વોલેટ દ્વારા ટિકિટ બુકિંગની સ્થિતિમાં પહેલાની જેમ જ 3 ટકા બોનસ કેશબેકની સુવિધા ચાલુ રહેશે.
રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ 3 ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના 14 જાન્યુઆરી 2026 થી 14 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાના પ્રભાવનું પ્રતિસાદ (ફીડબેક) ના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
રેલવે બોર્ડની આ પહેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનાવશે. ડિજિટલ માધ્યમોથી ટિકિટ બુક કરવા પર મુસાફરોને માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ તેમને પ્રત્યક્ષ આર્થિક લાભ પણ મળશે.
