સવારની 9 વાગ્યાની બેઠક પણ મોકૂફ, પોલીસ, FSL અને બોંબ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગ
અમદાવાદની કેટલીક સ્કૂલોને પણ બોમ્બની ધમકીના થ્રેટ ઈમેલ મળ્યા
ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદની કેટલીક સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈ-મેઈલ મળતાં ભારે દોડધામ મચી જવા પામેલ છે.
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે અને વિધાનસભામાં અફરાતફરી મચી જવા પામી હતી અને વિધાનસભાની 9 વાગ્યો મળનારી બેઠક મોકુફ રાખવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સવારે 9 વાગ્યે વિધાનસભાની બેઠક શરૂૂ થવાની હતી, પરંતુ ધમકી મળતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. તમામ ધારાસભ્યોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા ભવનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આ ઘટના બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ છે. આજે સવારે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું.
હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. ધમકી મળતાં જ બોમ્બ સ્ક્વોડની ટીમ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિધાનસભા ભવનમાં સઘન તપાસ શરૂૂ કરી હતી. સુરક્ષા દળોએ ઈમારતના દરેક ખૂણાની તપાસ કરી અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની ધમકીઓ સામે સાવચેતી રાખવી અત્યંત જરૂૂરી છે. તેથી દરેક પગલું અત્યંત કાળજીપૂર્વક લેવામાં આવી રહ્યું છે. સુરક્ષા તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગે ઈમેઈલના સ્ત્રોતની તપાસ શરૂૂ કરી છે અને કોણે આ ધમકી મોકલી તે શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ જ વધુ માહિતી આપવામાં આવશે.
હાલ સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે પરંતુ સુરક્ષાના તમામ પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ , બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
લિફ્ટની રાહ જોયા વગર અનેક ધારાસભ્યો સડસડાટ સીડી ઉતરી ગયા
વિધાનસભાની બેઠક શરૂૂ થાય તે પહેલાં જ ધારાસભ્યોને રજા આપી દેવામાં આવી હતી. જેના કારણે આજની કાર્યવાહી સ્થગિત રાખવી પડી હતી. આ ઘટનાને કારણે કાર્યક્રમોમાં વિક્ષેપ પડ્યો છે. ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ તરત જ વિધાનસભા પરિસરમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ઘૂંટણની તકલીફને કારણે સરખી રીતે ચાલી પણ ન શકતા કેટલાક ધારાસભ્યોએ દોટ મૂકી હતી. જયારે ઘણા ધારાસભ્યો લિફટની રાહ જોયા વગર સડસડાટ સીડી ઉતરી ગયા હતા.
