પોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ બાદ મોડી રાત્રે લાશ સ્વિકારાઈ

પોલીસે અલગ અલગ ટીમો દ્વારા છ આરોપીમાંથી ત્રણની ધરપકડ કરી, સુત્રધારની શોધખોળ શરૂ પોલીસ સાથે ઘર્ષણ થતાં અંદાજીત આઠેક જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી, પરિવારે…

પોલીસે અલગ અલગ ટીમો દ્વારા છ આરોપીમાંથી ત્રણની ધરપકડ કરી, સુત્રધારની શોધખોળ શરૂ

પોલીસ સાથે ઘર્ષણ થતાં અંદાજીત આઠેક જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી, પરિવારે મૃતદેહ સ્વીકારતા વતનમાં મૃતકની અંતિમ વિધિ કરાઈ

રૈયાધાર પાસે ડ્રીમ સિટીની સામે દ્વારકેશ પાર્ક મેઈન રોડ પર ગઈકાલે રાત્રે ભાવેશ ડાયાભાઈ વાણવી (ઉ.વ. 32) અને તેના ભત્રીજા પ્રિન્સ (ઉ.વ. 17) (રહે. બંને મણીનગર, રૈયા) ઉપર અડધો ડઝન જેટલા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી, લાકડી-ધારિયા અને કુહાડી વડે ખૂની હુમલો કર્યો હતો.ગંભીર રીતે ઘાયલ ભાવેશનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.તે સાથે જ મૃતકના પરિવારજનો અને અનુસૂચિત સમાજે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કરી દેતાં તણાવ વ્યાપી ગયો હતો. મોડી સાંજે સિવિલ હોસ્પિટલ ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મૃતદેહ લઈ જવાતા પોલીસના ધાડા ઉતારી પડયા હતા. રાત્રે દસ વાગ્યા સુધીમાં પરિવારજનોએ મૃતદેહ સંભાળ્યો નહોતો.એટલું જ નહીં ચક્કાજામ કરતા પ્ર.નગર પોલીસ,ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમો ધસી જતાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.તેમાં કેટલાક આગેવાનોને પોલીસે ડીટેઈન પણ કર્યા હતા.

આખરે ત્રણ આરોપીઓ હાથવેંતમાં હોવાની જાણ થતાં પરિવારજનોએ મૃતદેહ સંભાળી લીધો હતો અને એમ્બ્યુલન્સમાં મૃતદેહ લઈ વતન વંથલી રવાના થયા હતા.પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે મૃતક ભાવેશે મુખ્ય આરોપી હમીર મેરાભાઈ જોગરાણાના રસના ચીચોડા બાબતે મનપામાં અરજી કરી હતી. જેનો ખાર રાખી હમીર અને તેના અડધો ડઝન મળતિયાઓએ ભેગા મળી ભાવેશ અને તેના ભત્રીજા ઉપર ખૂની હુમલો કર્યો હતો. બંનેને સિવિલમાં ખસેડાયા હતા. ગાંધીગ્રામ-2 પોલીસે ભાવેશના મિત્ર રાહુલ પરમાર (ઉ.વ. 25)ની ફરિયાદ પરથી ખૂનની કોશિષનો ગુનો નોંધ્યો હતો. વહેલી સવારે ભાવેશે સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

તે સાથે જ તેના પરિવારજનો અને અનુસૂચિત સમાજમાં રોષ વ્યાપી ગયો હતો.તેમણે જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સંભાળવાનો ઇન્કાર કરી દેતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સહિતના તંત્રોએ સમજાવટના ઘણાં પ્રયાસો કર્યા હતા જે સફળ રહ્યા ન હતા. મોડી સાંજે પરિવારજનો અને અનુસૂચિત સમાજે પોલીસ કમિશનર અને કલેક્ટરને રૂૂબરૂૂ મળી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.ત્યાર પછી મૃતદેહ સ્વીકારી લીધો હતો.

ભાવેશ વાણવી નામના યુવકની થયેલ હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ શહેર કઈઇ ઝોન 2 ટીમ તપાસમાં હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાં રાધેશ્યામ ગૌશાળા સામે મફતિયાપરામાં રહેતા આરોપી ત્રણ સગા ભાઈઓ રવિ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.33), સાગર મેરાભાઈ જોગરાણા (ઉ.વ.26) અને ગોપાલ મેરાભાઈ જોગરાણા (ઉ.વ.22)ની ધરપકડ કરી ફરાર બે આરોપી હમીર અને લાલો ફરાર હોય જેથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાં કર્યા છે.

ડીસીબીના એએસઆઈને ધમકી આપતા ત્રણ આગેવાન સહિત 20 શખ્સોના ટોળા સામે ફરિયાદ

ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI સંજય દાફડાએ જણાવ્યું હતું કે,16 માર્ચે રાત્રિના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે દિલીપ ઉર્ફે ડી ડી સોલંકી, અશોક સિંધવ અને નરેશ બગડાએ ગેરકાયદે મંડળી રચી હતી જેને વિખેરાઈ જવા માટે પોલીસે સૂચના આપી હતી આમ છતાં તેઓ વિખેરાતા ન હોવાથી તેઓને ડિટેઇન કરવા પોલીસ કામગીરી કરી રહી હતી. ત્યારે આ ત્રણેય આગેવાનો ઉપરાંત અન્ય 15થી 20 લોકોએ ફરિયાદી સંજય દાફડાને ધક્કે ચડાવી નીચે પછાડી ફરજમાં રુકાવટ કરી હતી. એટલું જ નહિ આ દરમિયાન દિલીપ ઉર્ફે ડી ડી સોલંકીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આરોપી હમીરને હનીટ્રેપમાં ફસાવવા મૃતકે કાવત્રુ ઘડ્યાની પોલીસમાં અરજી

અરજીમાં હમીરે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, મારા ભાઈનો શેરડીના રસનો ચીચોંડો જલારામ ચોક ખાતે આવેલ છે ત્યાં બેઠા હતા ત્યારે એક મહિલા જેતપુર જવા માટે ભાડાની ગાડી શોધતા હતા ત્યારે મારી ભાડાની ગાડી બાંધી રૂૂ.2500માં જેતપુર જવા નક્કી કર્યું હતું. જેતપુર જતા હતા ત્યારે તેને મારી પાસે ઇન્સટાગ્રામ આઈ.ડી. માંગ્યું હતું અને બાદમાં તેણે મને મેસેજ કરવાનું ચાલુ કર્યું હતું. પરંતુ મેં કોઈ જ જવાબ આપ્યો ન હતો અને કોલ મેસેજ કરવાની ના પાડી હતી. તેમજ જેતપુર પહોચી જણાવ્યું કે બેંકમાં 10-15 મિનિટ બેસો હમણાં આવું છું. ત્યારબાદ પરત જલારામ ચોક રાજકોટ ખાતે આવી ભાડુ માંગતા ભાડુ હમણાં આવી ને આપુ છું કહી ચાલ્યા ગયા હતા. આ પછી ભાવેશ વાણવી તથા અજાણ્યા બે-ત્રણ લોકો બુલેટ તથા એક્સેસમાં આવી મને કહેવા લાગ્યા કે, ’તે મારી ઘરવાળીની છેડતી કરી છે’ માટે ખોટી ફરિયાદ કરવા ધમકી આપી રૂૂ.5 લાખની માંગણી કરી હતી તેમજ છરી બતાવી મારી ગાડીની ચાવી ઝૂંટવી લીધી હતી અને 5 લાખ નહી આપ તો જાનથી મારી નાખીશું અને મારી ઘરવાળીના કપડા ફાડી તારા પર છેડતી અને દુષ્કર્મના ખોટા કેસ કરી ફીટ કરાવી દઈસ. આ સમયે ભાવેશએ પ્રેસમાં હોવાનું જણાવી ખોટી રીતે બદનામ કરવા વિડીયો વાયરલ કર્યો હતો. એક યુવતિ અને અજાણી સ્ત્રીઓ જલારામ ચોકમાં મારા ભાઈના રસના ચિચોડે આવી અગાઉથી પ્લાન બનાવી બીજા લોકોને ઇસારા કરીને બોલાવી ખોટી ફરિયાદો કરી હતી તેમજ મારા ભાઈના ચિચોડાની છખઈમાં ખોટી ફરિયાદ કરી ખોટી રીતે હેરાન કરે છે. અગાઉ પણ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી હતી ત્યારે સમાધાન કરી લીધું હતું અને ત્યારબાદ પણ ફરી ધમકી ભર્યા ફોન કરી ભાડું આપવાની બદલે ખોટા કેસ કરવાની ધમકીઓ આપી ભાડું ના ચૂકવી પૈસાની માંગણી કરતા હનીટ્રેપ કરી ફસાવવાની ધમકીઓ આપી પૈસાની માંગણી કરવામાં છે.ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે 4 લાખ આપી દે તો પણ ફરિયાદ નહિ કરીએ પરંતુ મેં આવો કોઈ ગુનો કરેલ જ ન હોવાથી પૈસા આપવાની ના પાડતા મને રૂૂબરૂૂ તથા ફોનમાં ધમકીઓ આપી કહ્યું હતું કે હવે તારાથી થાય તે કરી લે, તારા પર ખોટી ખોટી ફરિયાદ કરી તારું જીવન બગાડી નાખીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *