થાનગઢમાં મહાત્મા ગાંધી સોસાયટીમાં બકરાની બલી ચડાવતા રેડ પડાવ્યાનો ખાર રાખી પ્રૌઢ પર હુમલો કરાયો હતો.જેમાં પ્રૌઢનું માથું ફૂટી ગયું હતું અને પગ ભાંગી નાખ્યા હતા.ઈજાગ્રસ્ત દેવજીભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગોવિંદ પરમાર અને તેના પુત્ર સામે આક્ષેપ કર્યાં છે.
મળતી માહિતી અનુસાર,થાનગઢની મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા દેવજીભાઈ જીવાભાઈ મુછડીયા (ઉ.44) ગઈકાલે સાંજે પોતે પોતાના ઘરે હતા.ત્યારે ગોવિંદ પરમાર અને તેનો પુત્ર જીતેન્દ્ર પરમારે ઝઘડો કર્યો હતો અને ઘરમાં ઘુસી દેવજીભાઈને ઢોર માર માર્યો હતો. દેવજીભાઈને લોખંડના પાઇપ વડે બેફામ માર મારતા માથામાં ઈજા થઈ હતી.ઉપરાંત પગમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી. તેઓને પ્રથમ થાનગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યાંથી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. અહીં તેઓ સારવાર હેઠળ છે. દેવજીભાઈએ જણાવ્યું કે, તેઓ કારખાનામાં મજૂરી કામ કરે છે.
સામેવાળા આરોપીઓ સાથે તેમણે ઘણા સમયથી જુનું મનદુ:ખ ચાલે છે. બેએક વર્ષ પહેલા ગોવિંદે માતાજીનો માંડવો આયોજીત કર્યો હતો. જેમાં બકરાની બલી આપવાના હતા. જેથી ત્યારે પોલીસ સહિતના તંત્રની રેડ પડી હતી.આરોપીઓને શંકા ગઈ હતી કે,આ રેડ દેવજીભાઈએ પડાવી છે.જેથી ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
