સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ-પ્રકરણમાં યુવતીને ભગાડી જનાર યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ લાશની ઓળખ સાવરકુંડલાના બાઢડા ગામના રહેવાસી નિલેશ ચુડાસમા તરીકે થઈ છે. જેનો તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો કે, તેણે આહિર સમાજની યુવતીને પ્રેમ-પ્રકરણમાં ફસાવી હતી. વાયરલ વીડિયોમાં નિલેશ ચુડાસમા આ વાતની કબૂલાત કરે છે અને બાદમાં તેનો આ રીતે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર મામલે તેના પરિવારજને હત્યાની શંકા વ્યક્ત કરી પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે.
આ સમગ્ર મામલે આહિર સમાજના અગ્રણી સોશિયલ મીડિયા સ્ટાર યુટ્યુબર તરૂૂણ આહીરના બે વીડિયો વાયરલ થયા હતા. જેના પ્રથમ વીડિયોમાં યુટ્યુબર તરૂૂણ આહીર પોતે નિલેશ ચુડાસમાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં તરુણ આહિરે નિલેશની માતા તથા તેના ભાઈ સાથે સમગ્ર મામલે વાતચીત કરી હતી અને પરિવારજનોને નિલેશ આહિર સમાજની મહિલાને ભગાડી ગયો છે તો તેને જલ્દીથી અમારી સામે હાજર કરોની માંગ કરી છે. વીડિયો મારફતે નિલેશના માતા અને ભાઈએ પણ રડતા રડતા ઘરે હાજર થવા જણાવ્યું હતું, જે મામલે તરુણ આહિરે ’આહિર સમાજની દીકરીને ભગાડી જનારને અમે પાતાળમાંથી પણ છોડી લાવીશું’ જેવું નિવેદન આપી નિલેશને અલ્ટિમેટમ આપ્યું હતું.
બાદમાં સમગ્ર મામલે યુટ્યુબર તરૂૂણ આહીરે વધુ એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેણે નિલેશ ચુડાસમાને અમદાવાદથી પકડી લીધો હોવાનો દાવો કર્યો હતો. બીજા વીડિયોમાં તરુણ સાથે નિલેશ અને અન્ય એક શખ્સ પણ દેખાઈ રહ્યો છે. જેમાં નિલેશ પોતે કબૂલાત પણ કરી રહ્યો છે કે, તેણે આહિર સમાજની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને બ્લેકમેઈલ કરી ભગાડી હતી. સાથે જ નિલેશે અગાઉ પણ અન્ય બે યુવતીઓને (કુલ 3) આવી જ રીતે પ્રેમજાળમાં ફસાવી હોવાની કબૂલાત કરી હતી. આ નિલેશ ચુડાસમા પર આરોપોના તરુણ આહિરના બે-બે વીડિયો સામે આવ્યા બાદ હાલ અમરેલી સાવરકુંડલાના બાઢડા ગામે નિલેશ ચુડાસમાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. ત્યારે સમગ્ર મામલે નિલેશના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. મૃતક નિલેશના ભાઈએ આ મામલે સાવરકુંડલા રૂૂરલ પોલીસને જાહેરાત આપતા પોલીસે એડીની નોંધ કરી છે.
