મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતે સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધું છે. બેચરાજીની વૃંદાવન સોસાયટીમાં પોતાના ઘર આંગણે નિરાંતે બેઠેલા લોકો પર અચાનક બેફામ બોલેરો કાર ફરી વળતાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક નાની માસૂમ બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, બોલેરો કાર કાદવમાં ફસાઈ જતાં તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે વધુ જોરથી એક્સિલેટર આપતાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બોલેરો સીધી ઘર પાસે બેઠેલા લોકો તરફ ધસી આવી હતી. ગંભીર ટક્કરના કારણે બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક માસૂમ બાળકી પણ અકસ્માતનો ભોગ બની હતી.
ઈજાગ્રસ્ત બનેલી બે મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન બંને મહિલાઓનું મોત થયું હતું. આ ઘટનાથી તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતમાં એક નાની બાળકી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને ગંભીર ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે અને હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ બોલેરો કારનો ચાલક દક્ષ સૈની ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
