ધ્રાંગધ્રા શહેરમાં એક અઠવાડિયા પૂર્વે ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હરીપર રોડ નજીક આવેલા સરકારી ગોડાઉનમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી અને કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ ધ્રાંગધ્રાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય હાર્દિકભાઈ મનહરભાઈ રાઠોડ તરીકે થઈ છે. હાર્દિક છેલ્લા એક અઠવાડિયાથી ગુમ હતો, અને તેના પરિવારજનોએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી હતી.આ દરમિયાન, હરીપર રોડ નજીકના સરકારી ગોડાઉનમાંથી એક યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હોવાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતદેહ ગુમ થયેલા હાર્દિક રાઠોડનો હોવાનું સામે આવ્યું હતું.
મૃતદેહ લાંબા સમયથી ત્યાં પડ્યો હોવાથી તે કોહવાઈ ગયો હતો અને સ્થળ પરથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે ખસેડ્યો છે. ધ્રાંગધ્રા સિટી પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
