વનવિભાગે કબજો લીધો, પ્રાથમિક તપાસમાં ઇનફાઇટનું તારણ
ઉના તાલુકાના વાવરડા કંસારી રોડ પર સરકારી ખરાબાની જમીનમાં એક દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો છે. વનવિભાગે મૃતદેહનો કબજો મેળવી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં બચ્ચાનું મોત ઇનફાઇટ (આંતરિક લડાઈ)ને કારણે થયું હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ જશાધાર રેન્જને થતાં, આર. એફ. ઓ. એલ.બી. ભરવાડ દ્વારા તાત્કાલિક ફોરેસ્ટર આર. એન. મોરી અને એન.આર. જોગાણીને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
દીપડાનું બચ્ચું બાવળની ઝાડીમાં મૃત હાલતમાં પડ્યું હતું.વનવિભાગની ટીમે સ્થળનું નિરીક્ષણ કરીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ, મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર પર ખસેડવામાં આવ્યો હતો. ફોરેસ્ટરના જણાવ્યા અનુસાર, મૃત દીપડાનું બચ્ચું આશરે 7 થી 8 મહિનાનું હોવાનું જણાય છે. મૃતદેહના નિરીક્ષણ પરથી તેનું મોત ઇનફાઇટમાં થયું હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
