જૂના જોગીઓ અને નવા બાવાઓના કમળ માટે કેસરિયા, ભાઇ-ભત્રીજા અને મામકાઓ માટે પણ ધમપછાડા
સતત બે દિવસથી સંકલનની બેઠકમાં પેનલો બને છે અને વિખેરાય છે, તમામ જૂથના નેતાઓના ગાંધીનગરમાં ધામા
નો રીપિટ થિયેરી કે ફિફટી-ફિફટીની ફોર્મ્યુલા વચ્ચે હાઇકમાન્ડ પણ ગોટે ચડયું, કાલે સાંજ સુધીમાં યાદી ફાઇનલ થશે
ગુજરાતમાં આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સતાધારીપક્ષ ભાજપમાં ટિકિટ માટે સૌથી વધુ ખેંચતાણ ચાલી રહી છે અને તેમાંય ભાજપની બદનામ બસ્તી જેવી રાજકોટ મહાનગરપાલિકાની ટિકિટ માટે માથા તેટલા દાવા જેવી સ્થિતિ સર્જાતા રાજકોટ મનપાના ઉમેદવારોની પસંદગી ગોટે ચડી છે અને ભારે ખેંચતાણ વચ્ચે ભાઇ-ભત્રીજા, સંતાનો તથા મામકાઓને ટિકિટ અપાવવા ભાજપના તમામ જુથોના નેતાઓે ગાંધીનગરમાં જ ધામા નાખ્યા છે અને તેના કારણે કોકડુ વધુ ગુંચવાઇ રહ્યું છે. શનિવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે ત્યારે આવતીકાલે રાત્રે જ ઉમેદવારોની યાદી જાહેર થવાની શકયતા છે.
પાલિકા-પંચાયતોના ઉમેદવારો નક્કી કરવા યોજાઇ રહેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મોડી રાત સુધી બેઠક ચાલે તેવી શકયતા છે. ગુજરાતભરના ભાજપના નેતાઓએ ટિકિટના લોબિંગ માટે છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં ધામા નાખ્યા હોવાથી ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકના 18 વોર્ડના 72 ઉમેદવારો નકકી કરવા માટે છેલ્લા બે દિવસથી મથામણ ચાલી રહી છે. પરંતુ યાદી આજે બપોર સુધી ફાઇનલ થઇ શકી નથી. 27 ટકા ઓબીસી અનામતનો અમલ થતા અનેક બેઠકોના સમિકરણો બદલાઇ ગયા છે જેના કારણે જુના જોગીઓ વોર્ડની અદલા-બદલી માટે તડજોડ કરી રહ્યા છે.આ સિવાય ઓબીસી સમાજની સૌથી વધુ બેઠકો ઉપર ઓબીસી સમાજે દાવો કર્યો છે. ઓબીસી સમાજમાં નાની-મોટી 120 જ્ઞાતિઓ આવે છે.
પરંતુ આહીર સમાજમાંથી જ વોર્ડ નં.1માં હિરેન ખીમાણીયા, વોર્ડ નં.4માં કાળુભાઇ ફુગસીયા, વોર્ડ નં.12માં પ્રદીપ ડવ, વોર્ડ નં.13માં જયાબેન ડાંગર, વોર્ડ નં.6માં મંજુબેન ફુગસીયા, વોર્ડ નં.6માં નરેન્દ્ર ડવ, વોર્ડ નં.14માં નિલેશ જલુ અને વોર્ડ નં.15માં વરજાંગભાઇ હુંબલે ટિકિટ માટે દાવા કર્યા છે. ગત ચુંટણીમાં આહિર સમાજને 8 ટિકિટ મળી હતી પરંતુ આ વખતે 10 ટિકિટ માંગી હોવાનું જાણવા મળે છે. જયારે કાઠી સમાજમાંથી વોર્ડ નં.10માં ધર્મેન્દ્ર જળુએ પણ ટિકિટ માંગી છે. તો પ્રજાપતિ, રાજપુત, કડીયા સમાજે પણ પુરતું પ્રતિનિધિત્વ માંગ્યુ છેે.
જુના જોગીઓ અને નવા બાવાઓ ટિકિટ માટે ભારે ખેંચતાણ કરી રહ્યા હોવાથી યાદી ગોટે ચડી હોવાનું જાણવા મળે છે. છેલ્લે બે દિવસથી સંકલનની બેઠકો યોજી પેનલો બનાવાઇ રહી છે પરંતુ ગાડી પાટે ચડતી નથી.
ગોવિંદભાઇ- લાખા સાગઠીયાએ પુત્રો માટે ટિકિટ માગી, દર્શિતાબેનની ઘનશ્યામ હેરભા માટે જીદ
હરિભાઇ ડાંગર, અશ્ર્વિન મોલિયા, બાબુભાઇ મકવાણા, પોપટ ટોળીયાએ પણ પરિવાર માટે ટિકિટ માગી
રાજકોટ મહાનગર પાલિકાની 72 બેઠકો માટે ભાજપના ઉમેદવારો નક્કી કરવા ગાંધીનગર કમલમ ખાતે ત્રણ દિવસથી કવાયત ચાલી રહી છે ત્યારે ભાજપના અનેક જુના જોગીઓએ પોતાના ભાઇ-ભત્રીજા- પુત્રો અને વફાદારો માટે ટિકિટો માંગી છે. ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે ઘનશ્યામ હેરભાને ટિકિટ અપાવવા જીદ પકડી છે. જયારે પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે તેના પુત્ર કિશન પટેલ માટે, લાખાભાઇ સાગઠીયાએ પણ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી છે.
પૂર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગરે પણ પોતાના પુત્ર શૈલેષ માટે, અશ્ર્વિન મોલિયાએ પોતાના પુત્ર નિરવા માટે, બાબુભાઇ મકવાણાએ દીકરા વિજય માટે, પોપટ ટોળીયાએ પુત્ર હરેશ માટે ટિકિટો માંગી છે. ભાજપમાંથી લગભગ એક ડઝન કરતા વધુ નેતાઓએ પોતાના પરિવારજનો માટે ટિકિટો માંગી હોવાનું જાણવા મળે છે.
ભલામણકારોના ત્રાસથી બચવા કોંગ્રેસે ‘ગુપ્ત’ સ્થળે આખી રાત ઉમેદવાર ફાઈનલ કર્યા
પહેલી યાદીમાં કોંગ્રેસે 243 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં મનપાના જ ઉમેદવારોના કેટલાક નામ જાહેર કરવામાં આવ્યા હતા. બાકી રહેલા ઉમેદવારોના નામને લઈને આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક શરુ થઈ ગઈ. રાજીવ ગાંધી ભવનને બદલે અન્ય ગુપ્ત સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મોડી સાંજથી શરૂૂ થયેલી આ બેઠકમાં વહેલી સવાર સુધી ઉમેદવારોના નામ પર મંથન કરશે.
ઉલ્લેખનીય છે કે, નેતાઓ પોતાના નજીકના લોકોને ટિકિટ આપવા માટે આવી જતા હોવાથી ગુપ્ત સ્થળ પર બેઠક રાખવામાં આવી છે.
તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોના નામને લઈને ચર્ચા થયા બાદ આખરી મહોર લગાવવામાં આવશે. જોકે, કોંગ્રેસની બેઠક શરૂૂ થતા જ કેટલાક ઉમેદવારોને ચૂંટણી લડવા માટેની તૈયારીઓ શરૂૂ કરવા ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. રામોલ-હાથીજણ વોર્ડના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. NSUI નેતા નારાયણ ભરવાડને ટેલિફોનિક જાણ કરી ચૂંટણી લડવાની તૈયારી કરવા સૂચના અપાઈ છે. અગાઉ પ્રથમ યાદીમાં શેખ રમીજરાજ અઝીઝ અને પદમાબેન પરમારનું નામ જાહેર કરાયું હતું.
