જામનગર શહેરની ભાગોળે આવેલા કનસુમરા પાટિયા નજીક ગુરુવારે સવારે ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં શહેરના પાઠક ફળી વિસ્તારમાં રહેતા યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, સવારે આશરે 9 વાગ્યાના અરસામાં કનસુમરા પાટિયા નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકચાલક મયુર બીપીનભાઈ મકીમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની જાણ થતાં પંચકોશી બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મયુર મકીમ જામનગરના પાઠક ફળી વિસ્તારમાં પોતાની વૃદ્ધ માતા સાથે રહેતા હતા.જોકે તેમના બહેન પરણી ને સાસરે છે. જ્યારે પરિવારનો એકમાત્ર આધારસ્તંભ ગણાતા પુત્રના અકાળે અવસાનથી વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
અકસ્માત બાદ કનસુમરા પાટિયા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પુન:સ્થાપિત કરી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાફા ગામે 17 વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે 17 વર્ષ ના સગીરે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ મામલે શેઠ વડાળા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.
પોલીસની વિગતો મુજબ, ધ્રાફા ગામે રહેતા જતીનભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ. 17 વર્ષ 11 માસ), ધંધે મજૂરી, તા. 10 જુલાઈના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા જીવાભાઈ ભીમાભાઈ પરમારે શેઠવડાળા પોલીસને જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ અકસ્માતે મૃત્યુ ની નોંધ કરી તપાસ શરુ કરી છે. હાલ પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
