કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયા

જામનગર-જુનાગઢ રોડ પર કાલાવડ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પ્રભાવશાળી અને અનુભવી નેતા નાનજીભાઈ ચોવટીયા ભાજપ છોડી સત્તાવાર રીતે આમ…

જામનગર-જુનાગઢ રોડ પર કાલાવડ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પ્રભાવશાળી અને અનુભવી નેતા નાનજીભાઈ ચોવટીયા ભાજપ છોડી સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.સાથે સાથે અનેક કાર્યકર્તાઓ પણ આપ મા જોડાયા હતા.આ પ્રસંગે ગોપાલભાઈ ઇટાલીયાના વરદ હસ્તે તેમને આપ નો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. તેમના આ મહત્વપૂર્ણ રાજકીય પગલાંથી કાલાવડ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં નવી રાજકીય ચર્ચાઓને વેગ મળ્યો છે.

નાનજીભાઈ ચોવટીયા રાજકીય કારકિર્દી વર્ષ 1994માં શરૂૂ થઈ હતી, જ્યારે તેઓ પ્રથમ વખત યુવા ભાજપના પ્રમુખ તરીકે રહી ચુક્યા હતા. ત્યારબાદ વર્ષ 1995માં તેઓ તાલુકા પંચાયત કાલાવડના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં રાખીને 1998થી 2005 દરમિયાન તેઓ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

વર્ષ 2010થી 2015 દરમિયાન તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને આ સમયગાળા દરમિયાન જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી હતી. શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વિકાસ માટે કરેલા તેમના કાર્યને કારણે તેમને વિશેષ માન-સન્માન મળ્યું છે. તે ઉપરાંત, વર્ષ 2001થી તેઓ કાલાવડ સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ તરીકે હાલ પણ કાર્યરત છે. સહકારી ક્ષેત્રમાં તેમના નેતૃત્વ હેઠળ અનેક વિકાસલક્ષી નિર્ણયો લેવાયા છે, જેના કારણે ખેડૂતો અને સભ્યોને સીધો લાભ મળ્યો છે.
આમ આદમી પાર્ટીમાં જોડાતા નાનજીભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે તેઓ લોકોની સેવા અને વિકાસ માટે નવી દિશામાં કાર્ય કરવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે પારદર્શક અને જવાબદાર શાસન માટે તેઓ કાર્ય કરશે અને જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ નાનજીભાઈનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને તેમના જોડાવાથી પાર્ટી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં વિસાવદર ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા,સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ પ્રકાશભાઈ દોંગા, જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ ,કાલાવડ વિધાનસભા ના પ્રભારી કે.પી.બથવાર, તાલુકા પ્રમુખ જેરામભાઈ બુશા, શહેર પ્રમુખ રમેશભાઈ વણપરિયા, દયાબેન મકવાણા , ડો કલ્પેશ મકવાણા , ડો.જીગ્નેશ સોલંકી , અલ્પાબેન મારકણા, સહદેવ સિંહ જાડેજા , વેલુભા જાડેજા , જે. બી. લશ્કરી , દેવરાજ વૈષ્ણવ સહિત પાર્ટીના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ઉમંગ સાથે યોજાયો હતો. નાનજીભાઈ ચોવટીયાના આમ આદમી પાર્ટીમાં જોડાવાના આ ઘટનાક્રમે કાલાવડના રાજકારણમાં નવી દિશા અને ગતિ આપવાની સંભાવનાઓ ઉભી કરી છે, અને આવનારા સમયમાં તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળશે તેવું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *