સરપદડમાં પાણી ઓછું બગાડવાનું કહેતા પુત્રએ માતાને માર માર્યો, બચાવવા જતાં બહેનને ઇજા

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામમાં પાણી જેવી સામાન્ય બાબતે પુત્રએ પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પ્રાપ્ત…

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામમાં પાણી જેવી સામાન્ય બાબતે પુત્રએ પોતાની માતા અને બહેન પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સરપદડમાં રહેતા અને શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા લીલાબેન સોલંકીને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે.ગઈકાલે લીલાબેનનો પુત્ર કરણ નહાવા માટે ગયો હતો.હાલના સમયમાં નદીમાં પાણી ન આવતું હોવાથી અને પાણીની તંગીને ધ્યાને રાખીને માતા લીલાબેને પોતાના પુત્રને માત્ર એટલી શિખામણ આપી હતી કે “તું પાણી ઓછું બગાડજે, અત્યારે નદીએ પાણી આવતું નથી.”

માતાની શિખામણ સાંભળતા જ પુત્ર કરણ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને પિત્તો ગુમાવી બેઠો હતો. ગુસ્સામાં જ ઘરમાં રહેલી લાકડી ઉઠાવી પોતાની માતા લીલાબેનને આડેધડ ફટકારવાનું શરૂૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને કરણની 27 વર્ષીય બહેન અનિતા અરવિંદભાઈ સોલંકી પોતાની માતાને બચાવવા વચ્ચે પડી હતી. જોકે, ભાઈએ પોતાની બહેન પર પણ રહેમ ન રાખી અને તેને પણ લાકડીના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આ હુમલામાં માતા અને પુત્રી બંને ઘવાતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

ઈજાગ્રસ્ત માતા-પુત્રીને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે,જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સામાન્ય રીતે પાણી બચાવવાની વાત કરનાર માતા પર જ પુત્રએ હાથ ઉપાડતા ગ્રામજનોમાં રોષ અને અરેરાટી ફેલાઈ ગઈ છે.આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પડધરી પોલીસે હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *