વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દેશ ભરમાં વધી રહ્યા છે .ત્યારે જૂનાગઢ જિલ્લા એસઓજી (SOG) એ એક એવા મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેના તાર છેક દિલ્હીથી લઈને કેરળ સુધી જોડાયેલા છે. તપાસમાં બહાર આવ્યું કે, ભેંસાણના ચણાકા ગોરખપરા વિસ્તારમાં રહેતા નિકુંજ જમનભાઈ ડોબરીયા નામના વેપારીએ ’સોમનાથ એન્ટરપ્રાઈઝ’ ના નામે પ્રોપરાઈટર એકાઉન્ટ ખોલાવીને આખા દેશના સાયબર માફિયાઓ માટે પોતાના ખાતાને નાણાંની હેરફેર કરવાનું માધ્યમ બનાવ્યું હતું. આ એક જ મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી 91 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
સાયબર માફિયાઓ ભોગ બનનાર પાસેથી નાણાં સીધા પોતાના ખાતામાં લેવાને બદલે નિકુંજ જેવા લોકોના ખાતા કમિશન કે ભાડેથી રાખી તે નાણાં ટ્રાન્સફર કરાતા હતા.આરોપી નિકુંજ ડોબરીયા સારી રીતે જાણતો હતો કે, તેના ખાતામાં આવતા નાણાં ગુનાહિત પ્રવૃત્તિના છે. તેમ છતાં તેણે આર્થિક ફાયદાની લાલચમાં આ 3,42,37,884 (3.42 કરોડ) રૂૂપિયા વિડ્રો કરીને અથવા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને સાયબર ગઠિયાઓને મદદ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં 89 જેટલા ભોગ બનનાર લોકોની ઓળખ કરી છે, જેઓ દેશના અલગ-અલગ ખૂણેથી આ માયાજાળમાં ફસાયા હતા.
SOGની તપાસમાં કૌભાંડની અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી અને હરિયાણામાં શેરબજારમાં રોકાણ અને ઈંઙઘની લાલચ આપીને સૌથી વધુ લૂંટ ચલાવવામાં આવી છે. દિલ્હીના શાહદરાના તન્મય ગુપ્તાએ 14,00,000 રૂૂપિયા અને દ્વારકાના કનવલજીત સિંઘે 2,30,000 રૂૂપિયા ગુમાવ્યા છે. હરિયાણાના કૈથલ અને હિસારમાં ગઠિયાઓએ ફેક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકોના ખાતા ખાલી કરી દીધા હતા.અહીં ગુનેગારો લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને વિશ્વાસ જીતતા અને ત્યારબાદ હાઈ-પ્રોફાઈલ ટ્રેડિંગના નામે રકમ ટ્રાન્સફર કરાવતા હતા. દક્ષિણ ભારતના રાજ્યોમાં છેતરપિંડીની રીત ’ડિજિટલ અરેસ્ટ’ અને ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડ તરીકે જોવા મળી છે. બેંગ્લોર જેવા હાઈ-ટેક શહેરમાં પણ શિક્ષિત યુવાનો આ જાળમાં ફસાયા છે. કર્ણાટકના કોલાર અને મૈસુરના રહેવાસીઓએ ઓનલાઇન ટ્રેડિંગમાં 5,00,000થી 7,00,000 રૂૂપિયા ગુમાવ્યા છે. કેરળમાં રંજિની નાયર નામની મહિલાને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને ગઠિયાઓએ 15,00,000 રૂૂપિયા જેવી મોટી રકમ પડાવી લીધી હતી. તમિલનાડુના ચેન્નાઈ અને કોઈમ્બતુરમાં ફેસબુક જેવી એપ્લિકેશન દ્વારા ઓનલાઇન શોપિંગ અને શેરબજારની લાલચ આપીને અનેક પરિવારોને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવ્યા છે. ચેન્નાઈના નાગરાજન અને લક્ષ્મી સાથે અનુક્રમે 13,50,000 અને 17,30,000 રૂૂપિયાની મોટી છેતરપિંડી થઈ છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ ટોળકીએ પોતાનો જાળ બિછાવ્યો હતો. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા રાધેશ્યામ નામના વ્યક્તિએ 2,65,000 રૂૂપિયા અને અમદાવાદના નિકોલના હિરેન પટેલે 8,95,000 રૂૂપિયા ગુમાવ્યા હતા. મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં નેટ બેન્કિંગ ફ્રોડ કરીને નાણાં આ ભેંસાણના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. મુંબઈના સચિન ભોસલે સાથે સૌથી મોટી 23,00,000 રૂૂપિયાની ઠગાઈ આચરી હતી. નાગપુરના રવીન્દ્ર મોહજે સાથે વોટ્સએપ ગ્રુપ દ્વારા 9,00,000 રૂૂપિયાની છેતરપિંડી આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે. રાયગઢ અને નવી મુંબઈના રહેવાસીઓએ પણ લાખો રૂૂપિયા આ શંકાસ્પદ ખાતામાં જમા કરાવ્યા છે.
