બહેનપણી રાત્રે તેના સંબંધીના ઘરે ગઇ હતી, સવારે આવતા યુવતી લટકતી’તી : 26મીએ દોડની પરીક્ષા હતી
રાજ્યભરમાં પોલીસ ભરતીની દોડની પરીક્ષા ચાલી રહી છે. યુવાનો અને યુવતીઓ ખાખી વર્દ્યી પહેરવા તન તોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે દોડની પરીક્ષામાં નાસી પાસ થતા ઉમેદવારોના સપના રોડાઇ જતા અગાઉ આપઘાત કે આપઘાતનો પ્રયાસ કર્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આવા જ એક વધુ બનાવમાં રાજકોટ પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટીયાની યુવતીએ બહેનપણીના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બહેનપણી રાત્રે તેના સંબંધીના ઘરે ગઇ હતી જયાથી સવારે પરત આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી. ગુરુવારે તેની દોડની પરીક્ષા હતી તે પૂર્વેજ આ પગલુ ભરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના ભાટીયા ગામે રહેતી રીતુ દેવાભાઇ કાબરીયા (ઉ.વ.21)નામની આહીર યુવતી પોલીસ ભરતીની પરીક્ષા કરતી હતી અને આગામી તા.26ના રોજ રાજકોટમાં મવડી પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ દોડની પરીક્ષામાં તેનો નંબર આવ્યો હોય જેથી તેણી દોડની પરીક્ષા આપવા રાજકોટ આવી હતી અને મુંજકા ગામે રહેતી તેની બહેનપણી હીના રાઠોડના ઘરે રોકાઇ હતી. દરમ્યાન ગઇકાલે રાત્રે હીના રાઠોડ તેના સંબંધીના ઘરે કામ અર્થે ગઇ જયાથી સવારે પરત તેના ઘરે આવતા દરવાજો બંધ હોય ખટખાવવા છતા દરવાજો ન ખોલતા પાડોશીની મદદ લઇ દરવાજો તોડતા અંદરથી રીતુ લટકતી હાલતમાં મળી આવી હતી.
રાત્રીના સમયે ઘરેમાં એકલી રહેલી રીતુએ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પુત્રીના મોતની જાણ થતા પરિવારજનો પણ ભાટિયાથી રાજકોટ આવવા રવાના થયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક રીતુ ત્રણ બહેનમાં વચેટ અને તેના પિતા ખેતી કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. તેણીએ દોડની પરીક્ષા પૂર્વે જ આ પગલું શા માટે ભરી લીધુ તે અંગે કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
