મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા વિવાદિત ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ પરિસરના 11મી સદીના ઐતિહાસિક સ્થળ પર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની વૈજ્ઞાનિક તપાસની વિસ્તૃત રિપોર્ટે મોટો વિવાદ જગાવ્યો છે. એએસઆઇએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કમાલ મૌલા મસ્જિદની વર્તમાન રચના પ્રાચીન મંદિરોના અવશેષોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. આ રિપોર્ટ 10 વોલ્યુમની છે અને તેમાં વૈજ્ઞાનિક તપાસ, ખોદકામ, સ્થાપત્ય અવશેષો, શિલાલેખો, કલા અને મૂર્તિઓના અભ્યાસના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે સોમવારે (23 ફેબ્રુઆરી) આ રિપોર્ટ પર તમામ પક્ષકારોને આપત્તિ, અભિપ્રાય, સૂચન અને ભલામણો રજૂ કરવા માટે બે અઠવાડિયાની મહેતલ આપી છે. આ રિપોર્ટ જાન્યુઆરી 22, 2026ના સુપ્રીમ કોર્ટના આદેશ પછી સીલ્ડ કવરમાંથી ખોલવામાં આવ્યો હતો. હિંદુ પક્ષ ભોજશાળાને વાગ્દેવી (દેવી સરસ્વતી)નું મંદિર અને જ્ઞાનનું કેન્દ્ર માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને 11મી સદીની કમાલ મૌલા મસ્જિદ તરીકે ઓળખાવે છે. આ સ્થળ એએસઆઇ દ્વારા સુરક્ષિત સ્મારક છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ રચના પરમાર વંશના કાળ (9મીથી 11મી સદી)ની છે અને તેમાં સમપ્રમાણતા, ડિઝાઈન કે એકસમાનતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું નથી.
સર્વે દરમિયાન 94 મૂર્તિઓ અને તેમના ટુકડાઓ મળ્યા છે, જેમાં ગણેશ, નરસિંહ, ભૈરવ, બ્રહ્મા જેવા દેવી-દેવતાઓની મૂર્તિઓ, પશુ-પક્ષી અને પૌરાણિક આકૃતિઓ સામેલ છે. અનેક સ્તંભો પર નક્કાશી, કમળની આકૃતિઓ અને શિલ્પ અવશેષો મળ્યા છે. 12મીથી 16મી સદી સુધીના સંસ્કૃત અને પ્રાકૃત શિલાલેખો મળ્યા છે. કેટલાક સ્તંભો પર ‘નાગકર્ણિકા’ શિલાલેખ પણ છે. વધુમાં 12મીથી 20મી સદી સુધીના અરબી-ફારસી લેખો પણ મળ્યા છે. સિક્કાઓ અને સનાતન ધર્મ સાથે જોડાયેલા પ્રતીકો પણ મળ્યા છે.
રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભોજશાળાનું નિર્માણ 12મી સદીમાં થયું હતું, જ્યારે કમાલ મૌલાનું આગમન 1265 ઈ.માં થયું હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે મસ્જિદનું નિર્માણ મંદિર પછી થયું હતું અને તેમાં મંદિરના પુરાણા સ્તંભો, બીમ અને અન્ય અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રાજા ભોજ (પરમાર વંશ) દ્વારા બાંધવામાં આવેલી આ ભોજશાળા માલવ પ્રદેશના વિદ્વાન અને જ્ઞાનનું મહાન કેન્દ્ર હતી. હિંદુ સમુદાય તેને વાગ્દેવી (સરસ્વતી)નું મંદિર માને છે. મુસ્લિમ સમુદાય તેને સૂફી સંત કમાલ મૌલાની મસ્જિદ તરીકે જુએ છે. આ સ્થળ પર લાંબા સમયથી વિવાદ ચાલતો આવ્યો છે અને વારંવાર ત્યાં પ્રાર્થના અને વિવાદના કિસ્સા સામે આવતા રહ્યા છે.
