ભાજપમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવા ઈન્કાર કરી રહ્યાં છે. હજી થોડા સમય પહેલા જ ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આગમી વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. હવે ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ આગામી લોકસભા ચૂંટણી ન લડવાની વાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
ભરૂૂચ-નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ હવે આગામી સમયમાં આઠમી ટર્મ માટે લોકસભાની ચૂંટણી નહીં લડે. હાલ તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે તેમનું આ નિવેદન સ્ફોટક બની રહ્યું છે.
આ વિશે મનસુખ વસાવાનું કહેવું છે કે, હવે સમય આવી ગયો છે કે નવા અને યુવા કાર્યકરોને આગળ લાવવામાં આવે. તેમણે આગળ જણાવ્યું કે, “મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ, જેથી હું હવે આઠમી ચૂંટણી નહીં લડું.”
આ ઉપરાંત મનસુખ વસાવાએ પાર્ટીને પણ મહત્વની સલાહ આપી. તેઓએ ઉમેદવારની પસંદગી અંગે કહ્યું કે, પાર્ટીએ પહેલાથી જ બીજો વિકલ્પ તૈયાર રાખવો જોઈએ. ચૂંટણી જ્યારે માથા પર આવે ત્યારે જ નવા નિયમો લાગુ કરવાથી પાર્ટીને યોગ્ય અને જીતાડી શકે તેવા ઉમેદવારો મળતા નથી. જેથી ભવિષ્યમાં સારા ઉમેદવારો શોધવા માટે પાર્ટીએ અત્યારથી જ પ્લાનિંગ કરવું જોઈએ.
આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે અને ભરૂૂચ-નર્મદા બેઠક પર આગામી સમયમાં નવા નેતૃત્વ માટે માર્ગ ખુલતો જોવા મળી રહ્યો છે. મનસુખ વસાવા ભાજપમાં સાંસદ તરીકે લાંબી ઈનિંગ રમી ચૂક્યા છે. તેઓ 7 ટર્મથી ભાજપના સાંસદ છે. આ ઉપરાંત તેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાનો જંગ ચાલતો રહ્યો છે. જેમાં હવે મનસુખ વસાવાએ આ જાહેરાત કરતા આગામી સમયમાં શું થશે તે તો સમય જ જણાવશે.
