રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ 76% ખાલી

રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના જળાશયોની 18 ઓગસ્ટની સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ માત્ર 24.15% ભરાયેલો છે, એટલે કે લગભગ 76% ખાલી…

રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના જળાશયોની 18 ઓગસ્ટની સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ જિલ્લાનો સૌથી મોટો ભાદર ડેમ માત્ર 24.15% ભરાયેલો છે, એટલે કે લગભગ 76% ખાલી છે. જામનગર જિલ્લાના 21 જળાશયોમાંથી કુલ ક્ષમતાનો માત્ર 11.24% જળસંગ્રહ થયો છે, જેનો અર્થ એ છે કે લગભગ 89% ભાગ ખાલી છે. આ કારણે આગામી મહિનાઓમાં પીવાના પાણી અને સિંચાઈ માટે ગંભીર સંકટ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ વર્તુળના કુલ 21,627 મિલિયન ઘન ફૂટ (MCFT) ક્ષમતામાંથી માત્ર 9,820 MCFT જળસંગ્રહ થયો છે, જે 45.41% છે. આમાં ભાદર ડેમની કુલ ક્ષમતા 6,644 MCFT છે, જેમાંથી માત્ર 1,604 MCFT જ ભરાયેલો છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં વધારો નહિવત રહ્યો છે અને વરસાદ પણ નજીવો નોંધાયો છે.જામનગર વર્તુળમાં કુલ 10,340 MCFT ક્ષમતામાંથી માત્ર 1,162 MCFT જળસંગ્રહ થયો છે (11.24%). અહીંના મોટાભાગના જળાશયોમાં પાણી નહિવત્ છે અને અનેક ડેમ DRY (સુકા) તરીકે નોંધાયા છે. દ્વારકા વર્તુળની સ્થિતિ વધુ ગંભીર છે. કુલ 5,115 MCFT ક્ષમતામાંથી માત્ર 54 MCFT જળસંગ્રહ થયો છે, જે માત્ર 1.05% છે. અહીંના મોટાભાગના જળાશયો સંપૂર્ણપણે ખાલી છે.

સરખામણીમાં મોરબી વર્તુળમાં સ્થિતિ સારી છે. કુલ 10,912 MCFT માંથી 7,671 MCFT (70.30%) ભરાયેલા છે. સુરેન્દ્રનગર વર્તુળમાં 80.22% જળસંગ્રહ થયો છે, જ્યારે પોરબંદર અને અમરેલીમાં મર્યાદિત જળાશયોમાં મિશ્ર સ્થિતિ જોવા મળે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ વર્ષે મોન્સૂન વરસાદ ખૂબ જ અપૂરતો રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 100%થી વધુ વરસાદ નોંધાયો હોવા છતાં, રાજકોટ, જામનગર, દ્વારકા અને આસપાસના વિસ્તારોમાં વરસાદની ખોટ સ્પષ્ટ દેખાય છે. મોટાભાગના જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ શૂન્ય અથવા નજીવો રહ્યો છે.
જળાશયોની આ સ્થિતિને કારણે આગામી મહિનાઓમાં પીવાના પાણીની પુરવઠા તેમજ ખેતી માટે સિંચાઈના પાણીની અછત વધી શકે છે. વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગે જળસંચય અને વિતરણ અંગે સાવચેતી રાખવાની જરૂૂરિયાત ઊભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *