ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને પગલે ભાદર-2 જળાશયમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમ તેની કુલ ક્ષમતાના અંદાજે 70 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની જળસપાટી નિયંત્રિત રાખવા માટે ગમે ત્યારે પાણી છોડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ધોરાજીના ભોલ ગામડા અને સુપેડી, કુતિયાણા તાલુકાના ભોલ ગામડા તેમજ ઉપલેટાના ડુમિયાણી સહિત ભાદર નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના આશરે 35થી વધુ ગામો માટે ચેતવણી (એલર્ટ) જાહેર કરવામાં આવી છે.
વહીવટી તંત્રએ ઉપલેટા, કુતિયાણા, માણાવદર, નવી બંદર સહિતના નીચાણવાળા ગામોના રહેવાસીઓને નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા તેમજ કોઈપણ અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. ભાદર-2 ડેમની પૂર્ણ જળસપાટી 53.10 મીટર સામે હાલ પાણીનું સ્તર 50.35 મીટરે પહોંચ્યું છે અને ડેમમાં સતત 754 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવે તો નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ અવરજવર કરવી નહીં.
