રાજકોટના અમરાપુરમાં કોળી સમાજનું સ્નેહમિલન કાર્યક્રમ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ આપેલા નિવેદનનો કોળી સમાજમાં બબાલ સર્જાઇ છે. સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ સંમેલનને રાજકીય સંમેલન ગણાવ્યું હતું અને મંત્રી બાવળિયાએ હવે નિવૃતિ લઈ લેવી જોઈએ તેવી વાત કરી હતી. વધુમાં કહ્યું કે, ભાજપ પણ હવે જેન્ઝીને ટિકિટ આપી રહી છે, મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની તળાજા બેઠક પરથી ટિકિટ ફાઈનલ છે અને મંત્રી પણ બનશે આ વાત નિશ્ચિત છે.
સ્નેહમિલન કાર્યક્રમના અંતે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ આગામી 2027ની ચૂંટણીમાં ફરી કુંવરજી બાવળિયા ચૂંટણી લડી જંગી લીડથી જીત મેળવી મંત્રી બનશે તેવો દાવો કર્યો હતો. જ્યારે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે, હમણાં ચૂંટણી આવશે એટલે એક એક વિધાનસભા પરથી 40-40 ફોર્મ ભરશે નહીં ભરતો હોય એ બીજાને કેશે તું ફોર્મ ભર પરંતુ લાયક હોય યોગ્ય તેમને જ ઉમેદવારી કરવી જોઈએ. સરપંચને લાયક હોય એ સરપંચ બને, તાલુકા પંચાયત લાયક હોય એ તાલુકા પંચાયત લડે અને વિધાનસભા લાયક હોય એ વિધાનસભા લડે એ મહત્વનું છે. દેવજી ફતેપરાના આ નિવેદન બાદ કોળી સમાજમાં જ રોષ છે. સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કહ્યું કે, દિલ્લીમાં પણ સંમેલન મળ્યું હતું, ઘણી બધી ચર્ચાઓ થઈ હતી.
હાલ જે સ્નેહમિલન હતું એ સમાજનું નહીં રાજકીય હતું. કુંવરજીભાઈને જેમની સાથે મનમેળ છે એવા જ આગેવાનોને આ સ્નેહમિલનમાં બોલાવ્યા હતા. કુંવરજીભાઈ સમાજના નામે ચૂંટણી લડી રહ્યા છે અને સમાજ સાથે જ રાજકારણ રમી રહ્યા છે સમાજના કોઈ કામ કર્યાં નથી. તેમને હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે એમને નિવૃત્તિ લઈ લેવી જોઈએ.
પ્રવીણ કોળીએ વધુમાં કહ્યું કે, ભાજપ પણ હવે જેન્ઝી નેતાઓને ટિકિટ આપી રહી છે ગાંધીનગરમાં મેયર જેન ઝી છે એ ઠાકોર સમાજમાંથી આવે છે એમ દરેક સમાજના યોગ્ય જેન્ઝી ઉમેદવારને પાર્ટી ટિકિટ આપશે. કુંવરજી બાવળિયા સમાજના નામે ચૂંટણી તો લડે છે પરંતુ વાયદો પુરો કરતા નથી. કોળી સમાજનું વિધાર્થી ભવન ગાંધીનગરમાં બનાવવાનો વાયદો 7 વર્ષથી કર્યો છે હજુ પુરો થયો નથી.
સંમેલન અને દેવજી ફતેપરાના નિવેદન પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી પણ શરૂૂ થઈ છે કે આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી નિશાન પર છે. આપ નેતા બ્રિજરાજ સોલંકી પણ અનેક વખત જસદણ-વિછિયા વિધાનસભા વિસ્તારમાં જંગી સભા સંબોધન કરી મંત્રી બાવળિયાની વિરુધ્ધ બેફામ બોલી રહ્યા છે. દેવજી ફતેપરાએ નામ લીધા વગર કહ્યું કે વિરોધ કરતા યુવાનોને કહેવું જોઈએ કે આપણા વડીલોએ શું કામ કર્યા છે.
સમાજ કહેશે તો પાર્ટી છોડવા તૈયાર: ઋત્વિક મકવાણા
આ જ કાર્યક્રમમાં ઉપસ્થિત ચોટીલાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કહ્યું હતું કે, સમાજના ભવિષ્ય માટે સમાજના હિતમાં કામ કરવા માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવો પડે તો કરવો જોઈએ. કદાચ પાર્ટી છોડવી પડે તો પણ છોડવી જોઈએ અને આ શરૂઆત મારે કરવી પડે તો પણ હું કરવા તૈયાર છું. આગામી દિવસોમાં ચૂંટણી છે ત્યારે કોળી સમાજની વસ્તી મુજબ ચોક્કસ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી માંગ દરેક રાજકીય પાર્ટી પાસે કરવામાં આવશે.
