રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 2ના રાજકારણમાં ભાજપના કોર્પોરેટર ડો.શૈલેષ વસાણી સામે ચૂંટણી પંચમાં સત્તાવાર રીતે ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર સલીમ કારીયાણી દ્વારા ડો.શૈલેષ વસાણીનું ચૂંટણીમાં રજૂ કરાયેલ ઘઇઈનું પ્રમાણપત્ર બોગસ હોવાના અને ઉમેદવારી ફોર્મમાં અનેક જગ્યાએ સહીઓ પણ ન કરી હોવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. તેમજ ચૂંટણીપંચ પાસેથી ન્યાય ન મળે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી આપી છે.
કોંગ્રેસના ઉમેદવાર સલીમભાઈ કારીયાણીએ જણાવ્યું હતું કે શૈલેષ વસાણી દ્વારા ચૂંટણીમાં જે અનામત અને નોન-ક્રિમીલેયરના દાખલા તથા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે બોગસ છે. નિયમ અનુસાર નોન-ક્રિમીલેયર પ્રમાણપત્રની વેલિડિટી માત્ર એક વર્ષની હોય છે, પરંતુ વર્ષો જૂનો અને ખોટો દાવો કરતો દાખલો રજૂ કરાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે મામલતદાર કચેરી અને લોધિકાના અધિકારીઓ સમક્ષ આરટીઆઈ (RTI) દ્વારા માહિતી મેળવતા રેકોર્ડ પર આ પ્રમાણપત્ર અમાન્ય હોવાનું અને શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે જ્યારે મોડી ફરિયાદ કરવા અંગે સલીમભાઈ કારીયાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પૂરી થયાના માત્ર બે મહિના પછી જ આ સમગ્ર પ્રક્રિયા અને તપાસ ચાલુ કરી દીધી હતી. ચૂંટણી પૂરી થયાના માત્ર 15 દિવસમાં જ મને આ ગેરરીતિની જાણ થઈ ગઈ હતી. પરંતુ વચ્ચે ’આઠમ’ અને તહેવારોને લઈ લગભગ 45 દિવસ અપીલમાં ગયા હતા, તેમજ અમુક આંતરિક કારણો અને સહકારના અભાવે હું મેદાનમાં થોડો મોડો આવ્યો છું. કોંગ્રેસ ઉમેદવારે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું કે હાલ તો મેં ચૂંટણીપંચમાં ફરિયાદ કરી અને શૈલેષભાઈને ગેરલાયક ઠેરવી બીજા ઉમેદવાર તરીકે મને વિજેતા ઘોષિત કરવા રજુઆત કરી છે. પરંતુ જો ચૂંટણી પંચમાં યોગ્ય ન્યાય નહીં મળે, તો આ મામલે હાઈકોર્ટ સુધી લડત ચલાવિશ અને શૈલેષ વસાણીને ગેરલાયક ઠેરવીને નિયમાનુસાર બીજા નંબરના ઉમેદવાર તરીકે મને વિજેતા જાહેર કરવાની માંગ સાથે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
