રાજકોટ બાર એસોસીએશનની ચુંટણી આગામી 20મી ડિસેમ્બરના રોજ યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ પ્રેરીત વકીલોની ત્રણ પેનલો વચ્ચે જંગ જામ્યો છે. જેમાં કાર્યદક્ષ પેનલના સમર્થનમાં લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા આજે નાગર બોર્ડીંગ ખાતે લોકડાયરા સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમની રૂપરેખા આપવા કાર્યદક્ષ પેનલના ઉમેદવારોએ ગુજરાત મિરર મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટના વકીલોની માતૃ સંસ્થા એવી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ 20 ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં ત્રણ પેનલ સહીત 51 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં કાર્યદક્ષ પેનલ તરફી વકીલ મતદારોમાં જબરો જુવાળ અને સમર્થન જોવા મળી રહ્યું છે. કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોમાં અનુભવી અને સિનિયર વકીલો, તરવરિયા યુવા વકીલો તથા મહિલા ઉમેદવારને પણ પૂરતું પ્રાધાન્ય આપીને સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યદક્ષ પેનલના ઉમેદવારો દ્વારા ઓફિસ ટુ ઓફિસ અને રાજકોટના મોટાભાગના વકીલ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો છે, સંપર્ક અભિયાન દરમિયાન જ કાર્યદક્ષ પેનલને તમામ લોકોનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.
તમામ મતદારોએ કાર્યદક્ષ પેનલને પ્રચંડ બહુમતીથી વિજેતા બનાવવા વિજયી ભવ: ના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી છે. કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આજે નાગર બોડિંગ ખાતે સાંજે 7:30 કલાકે લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા આયોજન કરાયું છે. જેમાન ભવ્ય લોકડાયરો, હસાયારો, કરાઓકે, ફન વિથ ગેમ્સ, ઉપરાંત ઠંડીની મોસમમાં તાપણું, શેરડી, જીજરા અને ચીકીની મજા સાથે તમામ લોકો આ કાર્યક્રમ માણશે. આ કાર્યક્રમના અંતે ભોજનનું આયોજન કરાયું છે. જે કાર્યક્રમની રૂપરેખા આપવા કાર્યદક્ષ પેનલના ઉમેદવારો અને સમર્થકોએ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ભાજપ લીગલ સેલ સંયોજક પીયુષભાઇ શાહ અને સહ – સંયોજક કમલેશભાઇ ડોડીયાની રાહબરી હેઠળ યુવા વકિલોની એક ટીમ સતત કાર્યરત છે. પ્રમુખપદના ઉમેદવાર, દિલીપ એન. જોષી, ઉપપ્રમુખપદના ઉમેદવાર મયંક આર. પંડયા, સેક્રેટરી પદના ઉમેદવાર સંદિપ એમ. વેકરિયા, જોઇન્ટ સેક્રેટરીપદના ઉમેદવાર જીતેન્દ્ર એચ.પારેખ, ટ્રેઝરર પદના ઉમેદવાર કૈલાશ જે. જાની, લાયબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર રવિ બી. ધ્રુવ, કારોબારી સભ્ય (મહિલા અનામત) પદના ઉમેદવાર થડેશ્વર રૂપલબેન, કાર્યદક્ષ પેનલના કારોબારી સભ્ય ભાવિક આંબલિયા, અનિલ બી. ડાકા, હિરેન પી. ડોબરીયા, હુશેન એમ. હેરંજા, સંજયકુમાર એન. કવાડ, મહેશ એન. પુંધેરા, કિશન એસ. રાજાણી, નિલ વાય. શુકલા, ચિત્રાંક એસ. વ્યાસને દરેક એસોસિએશન અને દરેક સમાજના વકિલોનું સમર્થન મળી રહ્યું છે અને જીતની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
