ધોરાજી ખાતેની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ઉપલેટા પંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ જેલમાં બંધ આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ ફુલાભાઈ તળપદાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં ભોગ બનનાર સગીરાએ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનને આધારે કોર્ટે અવલોકન કર્યું હતું કે, આ કિસ્સો સામાન્ય અપહરણનો નહીં પરંતુ પરિસ્થિતિજન્ય દબાણનો છે.
મૂળ નડીયાદના અને હાલ ઉપલેટા પંથકમાં મજૂરી કરતા ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની સગીર દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસે વિષ્ણુ તળપદાની ધરપકડ કરી હતી અને તેની સામે ઇગજ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલહવાલે કર્યો હતો.
આ કેસમાં રોકાયેલ વકીલ એસ.પી.વાઢેર મારફત કરવામાં આવેલી જામીન અરજી દરમિયાન ભોગ બનનાર સગીરાનું કલમ-183 મુજબનું નિવેદન પાયારૂૂપ બન્યું હતું. સગીરાએ સ્વીકાર્યું હતું કે, તે વિષ્ણુને પ્રેમ કરતી હતી, પરંતુ વિષ્ણુ તેને પસંદ કરતો ન હતો. સગીરાના પરિજનો દારૂૂ પીને તેને માર મારતા હોવાથી કંટાળીને તે વિષ્ણુ પાસે પહોંચી ગઈ હતી. તેણે વિષ્ણુને દવાની બોટલ બતાવી ધમકી આપી હતી કે, “જો તું મને તારી સાથે નહીં લઈ જાય તો હું ઝેર પીને મરી જઈશ.” આત્મહત્યાની ધમકીથી ડરી ગયેલા આરોપીએ મજબૂરીમાં સગીરાને સાથે રાખવી પડી હતી.
આ બાબતમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ એ.એમ. શેખે નોંધ્યું હતું કે, અહીં ભોગ બનનારે જ આરોપીને પોતાની સાથે જવા મજબૂર કર્યો હતો. આરોપી પરણિત છે અને તેને સંતાન પણ છે, વળી તે સ્થાનિક રહેવાસી હોવાથી નાસી જવાની શક્યતા નથી. આથી કોર્ટે રૂૂા. 20,000ના જામીન અને કેટલીક શરતો સાથે આરોપીને મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
