રાજકોટ રેલવે સ્ટેશને નવ માસ પહેલા ટ્રેનમાં રેલવે પોલીસના ચેકિંગ દરમિયાન 198.9 ગ્રામ ₹ 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલી જામનગરની યાસ્મીન સેતાની રેગ્યુલર જામીન અરજી સ્પેશિયલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ, ગઈ તા.20/ 03/ 2025ના રોજ રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 ઉપર મુંબઈ- હાપા દુરંતો ટ્રેન ઉભી રહેલ ત્યારે રેલવે પોલીસના રાબેતા મુજબ ચેકિંગમાં એક બાળક સાથેની સ્ત્રીની કોપી રંગની બેગના ચેકિંગ દરમિયાન વસ્તુઓ બહાર કાઢવાનું કહેતા તેમાંથી માદક પદાર્થનો જથ્થો જોવા મળતાં તુરંત પોલીસે ઉપરી અધિકારીઓને જાણ કરી એફ.એસ.એલ. તથા તોલમાપ અધિકારીને બોલાવેલ.
એફ.એસ.એલ. અધિકારીએ આ માદક પદાર્થ મેફેડ્રોન હોવાનું જણાવેલ અને જથ્થાનું વજન 198.9 ગ્રામ જેની કિંમત રૂૂપિયા 20 લાખ થયેલ, શંકાસ્પદ સ્ત્રીનું નામ પુછતાં યાસ્મીન અનવર સેતા (રહે. આવાસ કવાર્ટર, જામનગર) હોવાનું જણાવ્યા બાદ તેની ધરપકડ કરેલ અને પુછતાછ કરતાં મેફેડ્રોનનો જથ્થો મુંબઈવાળો નિઝામ કાસીમ દરજાદાએ જામનગરના સાયરાબેન ઈમરાનભાઈને આપવાનું જણાવેલ હતું. તે બદલ અમુક ચોકકસ રકમ આરોપી યાસ્મીનને અપાયેલ હતી. આરોપી યાસ્મીન વિરૂૂધ્ધ પુરતો પુરાવો હોય ફરીયાદી રેલ્વે પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજ કે. જાડેજા બનેલ હતા. આ મહિલા ત્યારથી જેલ હવાલે હોય, દરમ્યાન આરોપી યાસ્મીને ચાર્જશીટ બાદ સ્પેશિયલ એન.ડી.પી.એસ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં કરી હતી.
તેમાં સરકાર તરફે સરકારી વકીલ સમીર ખીરાએ હાજર થઈને દલીલ કરેલ કે, મેફેડ્રોનનું સેવન યુવાનો માટે ખુબજ નુકશાનકારક હોય, માદક પદાર્થનો જથ્થો દિન-પ્રતિદિન ગુજરાત રાજયમાં વ નું ને વધુ પ્રવેશતો જાય છે ત્યારે આરોપી યાસ્મીનના કબજામાંથી કોમર્શીયલ કવોન્ટેટીનો માદક પદાર્થ મેફેડ્રોન કબજે થયેલ હોય, મેફેડ્રોનનો નશો યુવાનોને ખલાસ કરી નાંખે ત્યારે આવા આરોપીઓની જામીન અરજીઓ રદ કરવી જરૂૂરી હોવાની તેમજ દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના તાજેતરના વિવિધ ચુકાદાઓ દર્શાવેલ અને તપાસ અધિકારી રેલ્વે પી.એસ.આઈ. એન. એમ. રાણાએ પુરતી તપાસ કરેલ હોય જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ. જેથી અધિખ સેશન્સ જજ સરકારી વકીલ સમીર એમ. ખીરાની દલીલો ધ્યાને લઈ ચાર્જશીટ બાદની યાસ્મીન અનવર સેતાની જામીન અરજી રદ કરી છે. આ કામે સરકાર તરફે સરકારી વકીલ સમીર એમ. ખીરા રોકાયા હતા.
