‘કરકસર એ કમાઉ દીકરો છે’ એ કહેવત મુજબ અમલ કરવો એ આવકારદાયક, પણ આવશ્યક જરૂરિયાતમાં આવી ‘જોખમ કરકસર’ કેટલા અંશે યોગ્ય? બ્રેક મારી દેવાયેલા 89 કામમાંથી 9 મહત્વાકાંક્ષી પાણીની યોજના
મનપામાં વર્ષે અબજો રૂપિયાના થતા ખર્ચાઓમાં કરકસર કરવાના સેંકડો વિકલ્પો છે, આમ છતાં પાણીના વર્તમાન અને ખૂબ નજીકના ભવિષ્યના આયોજનો ઉપર તલવાર વિંઝાઇ
કરકસર કે કમાઉ દીકરો હોય છે આ કહેવત સામે બેશક કોઇ શંકા નથી. પણ જ્યા માનવજીંદગીની પ્રથમ જરૂૂરિયાત હોય અને ભવિષ્યમાં માનવજીંદગીને જીવાડવા માટેનું આગોતરુ આયોજન હોય તેની સાથે કરકસરના અખતરા કરવામા આવે તે કદાચિત યોગ્ય ન કહેવાય. ખાડી યુધ્ધ બાદ આવેલી વૈશ્વિક કટોકટીના કારણે કરકસર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપિલ કરી છે.
કરકસરની અપિલ સહજરીતે અનુકરણ કરવી એ સારી વાત છે પરંતુ રાજકોટ મનપાના નવા શાસકો રાજકોટની 20 લાખની જનતાની તરસ ઉપર ‘કરકસરની તરાપ’ મારી છે. 89 કામને બ્રેક મારી દેવાના લિસ્ટમાં પીવાના શુધ્ધ પાણી માટે વર્તમાન અને ટુંકાગાળાના ભાવી આયોજનના 8 મહત્વના પ્રોજેક્ટને બ્રેક લગાવી દીધી છે. વર્ષે અબજો રૂૂપિયાના ખર્ચાઓ મનપામાં થાય છે. તેમાથી કરોડો રૂૂપિયાના ખર્ચાઓ એવા છે કે, તેમા સોર્ટ ટર્મ માટે કરકસર કરી શકાય તેમ છે. આવા વિકલ્પ અપનાવવાના બદલે પાણી જેવી જીવન જરૂૂરિયાતના કામને બ્રેક મારી દેવામા આવી હોવાનું જાણવા મળે છે.
મનપાના મેયર ડો.નેહલ શુક્લે પદગ્રહણ કર્યુ હતુ એ જ દિવસે મનપામાં થતા ખર્ચાઓ ઉપર કાપ મુકવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અભિગમ બેશક સારો છે. ખાનગી કોન્ટ્રાક્ટ પર લેવામા આવતી કાર સહિતના વાહનો બંધ કરી દેવા, ગાંધીનગર સહિતના પ્રવાસોમાં તમામ પદાધિકારીઓ એકાદ-બે કારમાં જ સાથે જાય, ઓન(ટેન્ડર એસ્ટિમેટ કરતા ઉંચા ભાવે આવતા ટેન્ડરમાં બાર્ગેનિક કરવા છતા કોન્ટ્રાક્ટર એજન્સી ન માને તો રિ-ટેન્ડર કરવા, રેસકોર્સ રિંગરોડ ફરતે દિવાળી કાર્નિવલ જેવી ડેકોરેટિવ લાઇટ મુકવાનું હાલ પુરતુ પડતુ મુકવુ આવા બધા અભિગમ શરૂૂ થયા છે એ આવકારદાયક છે.
પરંતુ જીવન જીવવા માટે પાણીના કામમાં કરકસર કરવાથી તેની અસર વર્તમાન પાણી વિતરણ વ્યવસ્થા અને નજીકના ભવિષ્ય માટે લાખો લોકોની પાણીની જરૂૂરિયાત ઉપર તરાપ લાગે તેવા 8 મોટા અને મહત્વના કામને ‘રૂૂક જાઓ’ના આદેશ છૂટ્યા છે. કુલ પાણી પુરવઠાના કુલ 270 કરોડના કામને સ્થગિત કરી દેવામા આવ્યા છે.
માધાપરમાં નવા ઇએસઆર-જીએસઆર(મોટા ટાંકા)ના પ્રોજેક્ટનું કામ પણ અટકાવી દેવાયું
રાજકોટમાં ભળેલા માધાપર, ઘંટેશ્વર, રોણકી, મનહરપુર સહિતના વિસ્તારો માટે પાણીના સ્ટોરેજના આગોતરા આયોજન માટે રૂૂ.31 કરોડના ખર્ચે ઇએસઆર-જીએસઆર બનાવવાનું કામ પણ હાથ પર લેવામા આવતા બ્રેક મારી દેવાનો આદેશ થયો છે. નવા ભળેલા વિસ્તાર માટે આ માઠા સમાચાર છે. નર્મદાનું નીર ઓછુ મળે અથવા તો લાઇન ફોલ્ટ સર્જાય ત્યારે આ ટાંકા હજારો લોકોની તરસ છીપાવી શકે તેમ છે.
બજરંગવાડી અને ગોંડલ રોડ ચોકડી પર મૃત:પાય પમ્પિંગ સ્ટેશન સજીવન નહીં થાય
બજરંગવાડી અને ગોંડલ રોડ ચોકડી પાસે પમ્પીંગ સ્ટેશન હાલ કાર્યરત જ છે. પરંતુ તેની મશીનરી હવે બાબા આદમના વખતની થઇ ગઇ હોય આસપાસની સેંકડો સોસાયટીમાં ધીમા ફોર્સે પાણી આવતુ હોવાની વ્યાપક ફરિયાદના કાયમી ઉકેલ માટે બન્ને પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલાવવા રૂૂ.3.65 કરોડના કામને પણ બ્રેક મારી દેવા આદેશ છૂટ્યો છે.
કોઠારિયા-હુડકોમાં જૂના ટાંકાનો સ્લેબ ધસી પડતા નવો બનાવવાનું કામ અટકાવાયું
કોઠારિયા-હુડકો પાસે વર્ષો પહેલા બનેલા જૂના ટાંકાનો સ્લેબ ધસી પડ્યા બાદ આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી રાખવો મુશ્કેલ જણાતો હોવાથી રૂૂ.1 કરોડ 90 લાખના ખર્ચે નવો ટાંકો બનાવવાનું નક્કી થયુ છે. આ કામ પણ જેવુ હાથ પર લેવાયુ એ સાથે જ શાસકોમાંથી રૂૂક જાઓનો આદેશ આવતા પ્રોજેક્ટ હવે પડતો મુકવાની નોબત આવી છે.
ન્યારી ડેમ પર પમ્પિંગ ક્ષમતા વધારવા નવો વાલ્વ ટાવર હાલ પડતો મુકયો
ન્યૂ રાજકોટમાં ભળેલા લાખો લોકોની પાણીની કાયમી સુખાકારી માટે ન્યારી-1 ડેમે પમ્પીંગ ક્ષમતા વધારવા નવો ફિલ્ટર પ્લાન્ટ અને તેમા નવો વાલ્વ ટાવર ઉભો કરવા અત્યંત જરૂૂરી એવા કામને પણ બ્રેક મારી દેવામા આવી છે. રૂૂ.18.65 કરોડ આ કામ માટે મંજૂર થયા છે. હવે ફરીથી કામ ચાલુ થશે ત્યારે એસ્ટિમેટ પણ વધી જશે તે પણ નક્કી છે.
પ્રોજેક્ટ નં.1- ન્યૂ રાજકોટના 150 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટને બ્રેક મારવા આદેશ
ન્યૂ રાજકોટ તેમજ મનપામાં ભળેલા નવા વિસ્તારો માટે કણકોટમાં એન્જિનિયરીંગ કોલેજ પાસે 150 એમ.એલ.ડી.નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની રહ્યો છે. આ કામ રૂૂ.143 કરોડમાં આપવામા આવેલુ છે. લાખો લોકોને શુધ્ધ પાણી મળે તે માટે આ પ્રોજેક્ટ જરૂૂરી છે. નવા વિસ્તારો માટે આ નજીકના જ ભવિષ્ય માટેનું આગોતરુ આયોજન છે. ચાલુ કામે રૂૂક જાઓનો આદેશ થયો છે. કામ એકાદ-બે વર્ષ પછી ફરી શરૂૂ થશે ત્યારે પાટે ચડતા ઓછા છથી આઠ મહિનાનો વિલંબ થવાનો છે.
પ્રોજેક્ટ નં.2- ભાદરથી રાજકોટ પાણી લઇ આવવાની ક્ષમતા વધારવાની યોજનાનું કામ અટકાવાયું
આજી અને ન્યારી ડેમ ડૂકી જાય ત્યારે આર્શિવાદરૂૂપ બનતા ઘરઆંગણેના અન્ય જળાશય એવા ભાદર ડેમનો આધાર જરૂૂર છે. પરંતુ પાઇપલાઇનની મર્યાદા મુજબ જ રોજનું 40-45 એમ.એલ.ડી.થી વધુ પાણી લાવી શકાતુ નથી. દુષ્કાળ વખતે આ લાઇન નાખવામા આવી હતી. જે હાલ નેશનલ હાઇ-વેનું કામ ચાલુ હોય આ જૂની જર્જરિત પાઇપલાઇન ઉખેડીને વધુ ક્ષમતાવાળી નવી નાખવાનું કામ ચાલી રહ્યુ છે. કામ બે ફેઝમાં મંજૂર થયો છે. ભાદરથી ગોંડલ સુધી અને ગોંડલથી રાજકોટ સુધીની પાઇપલાઇન નાખવા રૂૂ.77 કરોડનું કામ ચાલી રહ્યુ છે. તેને પણ બ્રેક મારી દેવામા આવી છે.
આજી ડેમ પાસે 75 એમ.એલ.ડી.ના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ન કરવા હુકમ
આજી ડેમ પાસે વધુ સ્ટોરેજ સાથે પાણીને શુધ્ધ કરવા માટે રૂૂ.60.48 કરોડના ખર્ચે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર થયુ છે. તેનુ કામ પણ હાથ પર લેવાતાની સાથે જ રૂૂક જાઓનો આદેશ આપવામા આવ્યો છે. જૂના રાજકોટમાં દુષિત પાણી આવતુ હોવાની વ્યાપક ફરિયાદના કાયમી નિવેડા માટે 75 એમ.એલે.ડી.ની ક્ષમતાવાળો આ નવો વોટર ટ્રીટમેન્ટ બનવા જઇ રહ્યો હતો ત્યાં જ બ્રેક મારી દેવામા આવી છે.
