શહેરનાં પ્રહલાદ પ્લોટમાં રહેતાં કોન્ટ્રાકટરના મકાનમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગાર કલબ ઉપર પીસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતાં મકાન માલીક કોન્ટ્રાકટર તેમજ શેર બ્રોકર સહિતના 6 શખ્સોની ધરપકડ કરી રૂા.65 હજારની રોકડ કબજે કરી છે. હાઈપ્રોફાઈલ જુગાર કલબ ઉપર દરોડો પડતાં આ મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે.
મળતી વિગતો મુજબ, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયાની ટીમને મળેલી બાતમીના આધારે શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નં.33માં કેનાલ રોડ પર રહેતાં કોન્ટ્રાકટર કિશોર છગન ચુડાસમાના ઘરે હાઈપ્રોફાઈલ જુગાર કલબ ચાલતી હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં મકાન માલીક, કોન્ટ્રાકટર કિશોર ચુડાસમા સાથે જુગાર રમતા પુષ્કરધામ મેઈન રોડ પર કેવલમ રેસીડેન્સીમાં રહેતાં શેરબજારનું કામ કરતાં દિનેશ મોહનભાઈ પારેખ, બજરંગ સોસાયટી શેરી નં.3માં રહેતાં જયેશ બાબુભાઈ ખાતરા, જાગનાથ પ્લોટ-26માં રહેતા વેપારી કિરીટ નારણભાઈ દતાણી, અંબિકા ટાઉનશીપમાં રહેતા ટ્રેડીંગનું કામકાજ કરતાં જયેશ જવાહરભાઈ ગગલાણી અને નાણાવટી ચોક પાસે નાઈન્થ એવન્યુ 801માં રહેતાં કિશોરભાઈ પરસોતમભાઈ તન્નાની ધરપકડ કરી 65000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
