એક પ્લોટ માટે અરજદારે નોટિસ ફટકારી, જ્યારે બે મોકાના પ્લોટની મેટર હાઈકોર્ટમાં પહોંચી
ખેડૂત પાસેથી જાહેર સુખાકારી માટે મફતમાં લીધેલી જમીનનું વેચાણ કયા કાયદાના આધારે ?
આર્થિક રીતે ખાડે ગયેલ રાજકોટ મહાનગરપાલિકાએ આવક ઉભી કરવા લગડી જેવા 7 પ્લોટની હરરાજી કરવાનો તખ્તો ગોઠવ્યો છે ત્યારે જ મોટો કાનૂની ગુચવળો ઉભો થયો છે. ખેડૂત ખાતેદારોની જમીનમાંથી ટી.પી.ના નામે મફતમાં લીધેલ 40 ટકા જમીન લોકોની એટલે કે જાહેર સુખાકારી માટે બાગ-બગીચા, શાળા, આરોગ્ય ભવન અને આવાસ યોજના જેવા હેતુઓ માટે ઉપયોગમાં લેવાની હોય છે. તેના બદલે મહાનગરપાલિકા દ્વારા આ જમીનોનું કોમર્શિયલ ધોરણે વેચાણ કરી મોટી રકમ ભેગી કરવાનો મુદ્દો હવે કાનૂની ગુચવણ બની ચુકયો છે. આજે અને સોમવારે લગડી જેવા 7 પ્લોટની હરરાજી થવાની હતી જેમાં હવે કાનૂની ગુંચ ઉભી થતાં ત્રણ પ્લોટ માટે ખેડૂત અરજદારોએ કોર્ટના દ્વાર ખખડાવતાં હરરાજી સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ પ્રાઈમ વિસ્તારમાં આવેલા લગડી જેવા પ્લોટની હરરાજી કરવા માટે જાહેરાત કરી હતી. તેના માટે ટેન્ડર પ્રક્રિયા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજે અને સોમવારે તબક્કાવાર પ્લોટની જાહેર હરરાજીનું આયોજન કરવામાં આવેલ. જે આજે એકાએક સ્થગિત કરી દેવાતા ભારે ચકચાર જાગી છે. આ મુદ્દે તપાસ કરતાં ટી.પી.વિભાગમાંથી જાણવા મળેલ કે ટેન્ડર દરમિયાન ત્રણ પાર્ટી આવતાં હરરાજીની તારીખ લંબાવવામાં આવી છે.
પરંતુ સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, 360 કરોડની જમીન વેચાણની પ્રક્રિયામાં કાનૂની વિવાદ ઉભો થયો છે. જેમાં એક અરજદાર દ્વારા ટી.પી.સ્કીમ નં.9માં આવેલ 3713 ચો.મી.જમીન કોમર્શિયલ કરી હરરાજીમાં મુકવામાં આવી છે. જેનો વાંધો ઉઠાવી કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. તેમજ જાહેર નોટિસ પણ આપી છે. તેવી જ રીતે અન્ય બે સોનાની લગડી જેવા પ્લોટના કોમર્શિયલ વેચાણ સામે ખેડૂત ખાતેદારોએ વાંધો ઉઠાવી હાઈકોર્ટમાં રીટ કરતાં 7 પ્લોટ પૈકી ત્રણ પ્લોટમાં કાનૂની વિવાદ ઉભો થતાં હાલ પુરતી હરરાજી સ્થગિત કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા આજરોજ અલગ અલગ વિસ્તારનાં ત્રણ પ્લોટની જાહેર હરરાજી કરવા માટેની તૈયારીઓ આરંભી હતી પરંતુ અચાનક આ પ્રક્રિયા રોકી દેવામાં આવી છે. તેવી જ રીતે સોમવારના રોજ 4 પ્લોટની હરરાજી કરવાની હતી તે પણ હાલ સ્થગિત કરાઈ હોવાનું જાણવા મળેલ છે. મનપાની આર્થિક હાલત નાજૂક હોવાથી 360 કરોડના 7 પ્લોટનું વેચાણ કરી આવક ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવેલ પરંતુ ટી.પી.કપાતમાં લીધેલી 40 ટકા જમીન લોક ઉપયોગ માટે લેવાના બદલે મહાનગરપાલિકા કોમર્શિયલ ધોરણે વેચાણ કરવા લાગતાં હવે તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને અનેક ખેડૂત ખાતેદારો તંત્રને આ કામગીરીને વિરોધ કરી કોર્ટના દ્વાર ખખડાવવા લાગતાં આગામી દિવસોમાં મહાનગરપાલિકાને પ્લોટના વેચાણ થકી ઉભી થતી આવક ગુમાવવાનો વારો આવી શકે છે. તેવી જ રીતે કાનૂની પ્રક્રિયા પણ લાંબા સમય સુધી ચાલે અને વધુ ખેડૂત ખાતેદારો આ મુદ્દે વાંધા ઉઠાવે તેવી સંભાવના હાલ જોવાઈ રહી છે.
