હરબટિયાળીમાં પાઇપના ઘા ઝીંકી વૃદ્ધ પર હત્યાનો પ્રયાસ

ગામમાં જાહેર જગ્યામાં તોડ ફોડ કરતો હોય ઠપકો આપતા હુમલો કર્યો, વચ્ચે પડેલા બે શખ્સોને પણ ઇજા પહોંચાડી, પોલીસે સકંજામાં લીધો રાજકોટ નજીક ટંકારા તાલુકાના…

ગામમાં જાહેર જગ્યામાં તોડ ફોડ કરતો હોય ઠપકો આપતા હુમલો કર્યો, વચ્ચે પડેલા બે શખ્સોને પણ ઇજા પહોંચાડી, પોલીસે સકંજામાં લીધો

રાજકોટ નજીક ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સવારના સમયે એક વૃદ્ધ પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગામમાં જાહેર મિલકતોને નુકસાન કરવા બાબતે ગામલોકોએ આપેલા ઠપકાનો ખાર રાખીને એક શખ્સે 75 વર્ષના વૃદ્ધ બેચરભાઈ જીવણભાઈ નમેરા (પટેલ) પર લોખંડના દાબીયા પાઇપ વડે હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. હુમલાખોરે વૃદ્ધના માથામાં આડેધડ ઘા ઝીંકતા તેમને બ્રેઈન હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે હાલ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.

ઘટનાની વિગતો મુજબ, હરબટીયાળી ગામે રહેતો જગદીશ છગનભાઈ ઝાપડા નામનો શખ્સ અવારનવાર ગામમાં જાહેર જગ્યાઓ પર તોડફોડ કરી નુકસાન કરતો હતો. આ બાબતે ગામના લોકોએ એકત્ર થઈને તેને ઠપકો આપ્યો હતો અને આવી પ્રવૃત્તિઓ ન કરવા સમજાવ્યો હતો. જોકે, આ બાબત જગદીશને પસંદ આવી નહોતી અને તેણે ગામલોકો પ્રત્યે અદાવત રાખી હતી. 13મી તારીખના રોજ સવારે સવા અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે નિવૃત જીવન ગાળતા બેચરભાઈ પટેલ જગદીશની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તે અચાનક લોખંડનો પાઇપ લઈને બહાર નીકળ્યો હતો અને વૃદ્ધ પર તૂટી પડ્યો હતો. તેણે બેચરભાઈને મારી નાખવાના ઈરાદે માથાના ભાગે ત્રણ-ચાર ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

જ્યારે જગદીશ આડેધડ પાઇપ ફટકારી રહ્યો હતો, ત્યારે બેચરભાઈને બચાવવા માટે સીદાભાઈ પાંચાભાઈ ઝાપડા અને ધનજીભાઈ ભગવાનજીભાઈ સંઘાણી વચ્ચે પડ્યા હતા. ઉશ્કેરાયેલા હુમલાખોર જગદીશે આ બંને વ્યક્તિઓ પર પણ પાઇપ વડે હુમલો કરીને તેમને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડી હતી. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રથમ ટંકારા અને ત્યારબાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી તબીબોએ તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યા હતા. આ મામલે બેચરભાઈના પુત્ર હસમુખભાઈ નમેરા (ઉં.વ. 47) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં જગદીશ છગનભાઈ ઝાપડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

હસમુખભાઈએ જણાવ્યું હતું કે તેમના પિતા હાલ બેભાન છે અને ગંભીર ઈજાઓના કારણે તેમની સ્થિતિ ચિંતાજનક છે. ટંકારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ. એન. સગારકાએ આ મામલે આરોપી જગદીશ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેને સકંજામાં લઈ લીધો છે અને હુમલામાં વપરાયેલ હથિયાર કબજે કરવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *