જામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ

જામનગર શહેરના સાત રસ્તા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ પર કોન્ટ્રાક્ટરને રસ્તામાં અટકાવી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવે ચકચાર…

જામનગર શહેરના સાત રસ્તા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ પર કોન્ટ્રાક્ટરને રસ્તામાં અટકાવી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવે ચકચાર મચાવી છે. આ અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે નામજોગ અને બે અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિશ, મારામારી, ધમકી, એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શંકરટેકરી સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રકાશભાઈ મગનભાઈ ગોહિલ (ઉ.વ.43)ના ભાઈને ભીખુભાઈ નામના વ્યક્તિ પાસેથી નાણાં લેવાના હતા. આ નાણાં અપાવી દેવા માટે આરોપી હાજી હમીર ખફી ઉર્ફે લાંબો અને શીવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સાથે વાત થઈ હતી અને તેના ખર્ચ પેટે રૂૂ.5 લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે, બાદમાં ફરિયાદીના ભાઈ અને ભીખુભાઈ વચ્ચે સમાધાન થઈ જતા આરોપીઓને નક્કી કરેલા રૂૂ.5 લાખ આપવામાં આવ્યા ન હતા. આ બાબતે બંને આરોપીઓએ ફરિયાદીના ભાઈને ધમકી આપી હતી અને ત્યારબાદ બંને પક્ષે મળેલી મીટિંગ દરમિયાન બોલાચાલી પણ થઈ હતી.

આ બાબતનો ખાર રાખીને તા.20 ઓગસ્ટના બપોરે આશરે અઢી વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાની કાર લઈને સાત રસ્તા નવા ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી નં.1 હાજી હમીર ખફી ઉર્ફે લાંબો અને આરોપી નં.2 શીવરાજસિંહ જાડેજા ફોર્ચ્યુનર કારમાં આવ્યા હતા.

બંનેએ પોતાની કાર ફરિયાદીની કાર આગળ ડિવાઈડર સાથે અથડાવી ફરિયાદીની કાર રોકી રસ્તામાં અવરોધ ઊભો કર્યો હતો. ત્યારબાદ બંને કારમાંથી નીચે ઉતર્યા હતા. આરોપી નં.1એ લોખંડના પાઈપ વડે જ્યારે આરોપી નં.2એ છરી વડે ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદાથી હુમલો કરી માર માર્યો હતો. આ દરમિયાન બંને સાથે એક્સેસ જેવા મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો પણ લાકડાના ધોકા લઈને આવી પહોંચ્યા હતા અને ચારેયે ભેગા મળી ફરિયાદીના હાથ, પગ અને કમરના ભાગે આડેધડ ઘા મારી ગંભીર તથા ફ્રેક્ચરની ઈજાઓ પહોંચાડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદી પ્રકાશભાઈ ગોહિલને જાતિથી અપમાનિત કરી ગાળો આપી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી સમાન ઈરાદાથી હુમલો કર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઉપરાંત, જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો પણ આરોપ છે.
આ બનાવ અંગે પ્રકાશભાઈ મગનભાઈ ગોહિલની ફરિયાદના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેઠળ બી.એન.એસની કલમ 109(1), 117(2), 115(2), 352, 126(2), 3(5), જી.પી. એક્ટની કલમ 135(1) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુનાની તપાસ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ એન. ઝાલા, ઇન્ચાર્જ એસ.સી.-એસ.ટી. સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુનામાં આરોપી તરીકે (1) હાજી હમીર ખફી ઉર્ફે લાંબો, રહે. મસીતીયા ગામ અને (2) શીવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રહે. જામનગર તથા બે અજાણ્યા શખ્સોના નામ સામે આવ્યા છે. પોલીસે આરોપીઓની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *