શહેરમાં જંગલેશ્વરમાં રહેતાં મુળ યુપી અલીગઢના એક યુવાનને આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે સામુ જોવા જેવી વાતે છરીના ઘા મારી દઇ હત્યાનો પ્રયાસ કરતાં આ યુવાન ગંભીર ઈજા સાથે સારવાર હેઠળ છે. ભક્તિનગર પોલીસે રાતોરાત આરોપીને દબોચી લીધો છે.
જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર શેરી નં 14માં રહેતાં મુળ યુપી અલીગઢના ઝુબેર અબ્દુલરજાકભાઇ સૈયદ (ઉ.વ.24)ને ઘર પાસે હતો ત્યારે જંગલેશ્વરમાં રાધાકૃષ્ણનગર-10માં રહેતાં સોહિલ ઉર્ફે સોહીલો અજીતભાઇ હીંગોરાએ ઝઘડો કરી ગુપ્તાંગની ઉપરના ભાગે, ડાબા પગમાં જમણી બાજુએ સાથળમાં છરીના ઘા મારી દેતાં દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ભાગી ગયો હતો. ઝુબેરને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
પોલીસે ગંભીર ઇજાગ્રસ્ત ઝુબેરના વતનના અને રાધાકૃષ્ણનગર-10માં રહેતાં નઇમ મુન્નેખાન સૈયદ (ઉ.વ.24)ની ફરિયાદ પરથી સોહિલ ઉર્ફે સોહીલો હીંગોરા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. નઇમે જણાવ્યું હતું કે ઝુબેર અને હું અલીગઢ યુપીના વતની છીએ. ઝુબેર અહિ ચાર વર્ષથી રહે છે અને બફકામ કરે છે. હું અને ઝુબેર શેરીમાં વાતો કરતાં હતાં પછી હું જમવા માટે ઘરે જતો હતો ત્યારે ઝુબેરે પોતાને જમવું નથી કહી બહાર જ હતો. ત્યારબાદ શેરીમાં દેકારો થતાં મારા પત્નિ રૂૂબીનાએ તપાસ કરતાં ઝુબેર અને સોહિલા વચ્ચે માથાકુટ થતી હોવાનું જણાતાં હું ત્યાં દોડી ગયો હતો. ત્યારે સોહિલના હાથમાં છરી જોવા મળી હતી. તેણે ઝુબેરને ઘા મારી દીધા હતાં.
મેં તેને શા માટે ઝઘડો થયો પુછતાં સોહિલે આ ઝુબેર મારી સામે જોતો હતો એટલે માથાકુટ થઇ છે તેમ કહ્યું હતું. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પડેલા ઝુબેરને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છરીનો ઘા એટલો ઊંડો હતો કે ઝુબેરનું આંતરડું શરીરની બહાર આવી ગયું હતું. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દર્દીની ગંભીર હાલત જોઈ તબીબોએ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ ઝુબેર ઓપરેશન બાદ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. પીઆઇ જે. ડી. પરમાર,એએસઆઇ નિલેષભાઇ મકવાણા,તોરલબેન જોષીએ ગુનો નોંધી આરોપીને દબોચી લીધો છે.
