ભાયાવદર અરણી રોડ પર આવેલ ગાંઠિયાવાળી શેરીમાં રહેતા યુવાન અને તેની પ્રેમિકા ઉપર પ્રેમિકાના પતિએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. 20 દિવસ પૂર્વે છૂટાછેડા લઇ પતિના મિત્રના સાથે રહેવા ગયેલી પત્નીના તેના પ્રેમી ઉપર કાર ચડાવી દઈ બન્ને ઉપર જીવલેણ હુમલામાં પોલીસે હત્યાના પ્રયાસ નો ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ ભાયાવદર અરણી રોડ પર આવેલ ગાંઠિયાવાળી શેરીમાં રહેતા ચેતન હરિરામ દાણીધારીયા (ઉ.વ.42) તથા મતવા શેરીમાં રહેતા મયુર પ્રવીણભાઈ કાથરોટીયા નાનપણથી મિત્રો હતા. ચેતનના આજથી દસ વર્ષ પહેલાં રાજકોટની ભાવિકા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં 9 વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર છે. આ દરમિયાન ચેતનની પત્ની ભાવિકા તથા તેના મિત્ર મયુર વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આની જાણ ચેતનને થઈ જતા રોજ ઘરકંકાસ થવા લાગ્યો હતો. એક મહિના પહેલા પતિ -પત્નીએ પુત્ર પિતા પાસે, અને પુત્રી માતા સાથે એવી સમજુતી કરી છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર પછી પરિણીતા પુત્રી સાથે તેના પ્રેમીના ઘરે રહેવા ચાલી ગઈ હતી.
પત્ની સાથે છુટા છેડા પછી પણ બંને મિત્રો વચ્ચે અવાર નવાર ફોનમાં માથાકુટ થતી હતી. સવારના મયુર ઘરેથી બાઈક લઈને નીકળતા તરત ચેતને કાર પૂરપાટ ચલાવીને બાઈકને જોરદાર ટક્કર મારીને મયુરને પછાડી દઈને કારમાંથી તલવાર અને લોખંડની કાત્સ કાઢીને ખૂની હુમલો કરી દીધો હતો. ત્યારે મયુર બચવા માટે બાજુની બંધ ગલી ખાતે ભાગવા લાગ્યો હતો. ચેતને તલવારનો ઘા કરતાં મયુરને ડાબા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. વચ્ચે બચાવવા જતા ભાવિકા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આરોપી ચેતન કહેતો હતો કે મારો પુત્ર નાનો છે, તે તેની મોટી બહેનને જોવે ત્યારે રડે છે, આથી તમારે બીજે રહેવા જતા રહેવું જોઇએ. ત્યારે મયૂર દલીલ કરતો કે અમે શું કામ જઇએ? આવી નજીવી બાબતે ચાલતી માથાકૂટ વધુ વકરી હતી.ત્યારથી ચેતને મનમાં ગાંઠ લગાવી દીધી હતી કે મયૂરને સબક શીખવવો. જે માટે તેણે 25 દિવસ તો રેકી કરી કે મયૂર ક્યારે નીકળે છે અને ક્યારે આવે છે. મોકો જોઇને ચેતને મિત્ર મયુર ઘરેથી બાઈક લઈને નીકળતાં જ તેના પર કાર લઇને ધસી ગયો હતો અને તેને પછાડી કારમાંથી તલવાર અને લોખંડની કોસ કાઢી હુમલો કર્યો હતો. એવામાં પૂર્વ પત્ની વચ્ચે આવતા તેને પણ તલવારના ઘા ઝીંકી દીધા હતા. મારામારીના પગલે દેકારો થતાં લોકો એકઠાં થઇ ગયા હતા, પરંતુ ચેતનનું ઝનૂન જોઇ કોઇ રોકવાની હિંમત કરી શકતું ન હતું.
PGVCLના ડ્રાઇવરે હિમત દાખવી આરોપી પાસેથી તલવાર છીનવી
અરણી રોડ પર આવેલ ગાંઠિયાવાળી શેરીમાં હુમલાના બનાવ બનતા દેકારો થતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ત્યારે આરોપી ચેતન ઝનૂની હોવાથી તેમજ તેના બંને હાથમાં લોખંડના હથિયાર હોવાથી તેની પાસે કોઈ જવા હિંમત કરતા ન હતા. પીજીવીસીએલના ડ્રાઈવર ગીરીશભાઇ ખાંભલા દોડી આવી સતર્કતા વાપરી બને હથિયાર છીનવી લેતા આરોપી તકનો લાભ લઈને કાર લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે મયુર કાથરોટીયાની ફરિયાદના આધારે આરોપી ચેતન દાણીધારીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી, તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
