જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક હેઠળ લાખાબાવળ ગામ જવાના માર્ગ પર આવેલા એક ખાનગી બેંકના એ.ટી.એમ. પાસે જાહેર રોડ પર એક યુવક પર પૂર્વ વૈમનસ્ય રાખી છ આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, સરમત ગામના રહેવાસી અને ખેતીકામ કરતા લક્ષ્મણસિંહ હઠીસિંહ જાડેજા (ઉ.વ. 26) સાથે ગામમાં અગાઉ થયેલી મારામારીનો ખાર રાખી આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવી હુમલાનું કાવતરું રચ્યું હતું. ફરિયાદી સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે સફેદ રંગની બોલેરો કાર દ્વારા તેમના સ્કૂટરને પાછળથી ટક્કર મારી નીચે પાડી દેવાયા હતા.
ત્યારબાદ કારમાં આવેલા પાંચ શખ્સોએ લોખંડના પાઇપ સહિતના જીવલેણ હથિયારોથી ફરિયાદીના બંને હાથ, બંને પગ અને છાતીના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જ્યારે એક આરોપી કાર પાસે નજર રાખતો ઉભો રહ્યો હતો. હુમલા દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં સત્યજીતસિંહ જીલુભા જેઠવા (રહે. ખોડીયાર કોલોની, જામનગર), કર્મરાજસિંહ ઉર્ફે મુળી પરમાર (રહે. જામનગર), જયદીપસિંહ પ્રભાતસિંહ રાઠોડ (રહે. નાધેડી) તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 189(2), 189(4), 190, 191(3) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલ ચલાવી રહ્યા છે.
મિયાત્રાના ખેડૂત ઉપર ચાર શખ્સોનો હુમલો
જામનગર તાલુકાના સપડા ગામથી મીયાત્રા જવાના કાચા માર્ગ પર ટ્રેક્ટરચાલક ખેડૂત પર હુમલો કરી ઈજાઓ પહોંચાડવાના બનાવમાં ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં ફરિયાદીને લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમના જમણા હાથમાં ફ્રેક્ચર તથા જમણા પગના ગોઠણમાં ઈજા પહોંચી હતી. ફરિયાદ મુજબ મીયાત્રા ગામના રહેવાસી અને ખેતીકામ કરતા પ્રવીણસિંહ રણજીતસિંહ કેરે 10 જુલાઈના રોજ સપડા ગામે ખેડૂતોના ખેતરમાં ટ્રેક્ટર દ્વારા મગફળી અને ડુંગળીનું વાવેતર કર્યું હતું. સાંજે આશરે સવા છ વાગ્યે તેઓ ટ્રેક્ટર લઈને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે સપડાની ગોળાઈથી મીયાત્રા જવાના કાચા માર્ગ પર આશરે ત્રણસો મીટર દૂર એક મોટરસાયકલ પર આવેલા સપડા ગામના અનિરુદ્ધસિંહ ઉર્ફે અનીયો ભુપતસિંહ દેદા, જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા અને ચિરાગ રાવલે તેમનું ટ્રેક્ટર અટકાવ્યું હતું. અનિરુદ્ધસિંહે ફરિયાદી સાથે ઝપાઝપી કરી પોતાની પાસે રહેલા લોખંડના પાઇપ વડે જમણા પગ પર ઘા કર્યો હતો. ત્યારબાદ ચિરાગ રાવલે લાકડાના ધોકાથી જમણા હાથના પોચા પર પ્રહાર કર્યો હતો, જ્યારે જયેન્દ્રસિંહે લાતો મારી હુમલામાં સાથ આપ્યો હતો.
