પ્રતિકાર કરતાં સોના-ચાંદી વેપારી એસો.ના પ્રમુખ અને પુત્રને ઈજા : એક આરોપી ઝડપાયો
મુન્દ્રાના આર્થિક ધમધમતા અને બેંકો, એટીએમ મેગા મોલ, દુકાનો સહિતના વ્યાપારના કેન્દ્ર એવા બારોઈ રોડ પર સોમવારે ભરબપોરે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાંથી ગોળીબાર સાથેનો લૂંટનો પ્રયાસ થતાં ચકચાર મચી હતી. સદભાગ્યે આ લૂંટ નિષ્ફળ રહી હતી. ઔદ્યોગિક ધમધમતા આ શહેરમાં કંપનીઓમાં બહારથી આવનારા કામદારોની નિયમોનુસારની પોલીસ તપાસ તેમજ પેટ્રાલિંગ અને પોલીસ ચોકી સક્રિય કરવા સહિતની માંગ ઊઠી હતી. આ ઘટના બાદ વેપારીઓએ તેમના કામ-ધંધા બંધ રાખીને સુરક્ષા માટેની વ્યવસ્થા સજ્જડ ગોઠવવાની માગણી ઉઠાવી હતી. બનાવમાં ચાર પૈકીના એક આરોપીને પ્રતિકાર કરી ઝડપી લેવાયો છે.
નાસવા જતા શો-રૂૂમના દરવાજાનો કાચ લાગતાં ભંગીર રીતે ઘાયલ થયો છે.
સ્થળ પરથી ઘટનાની મળેલી વિગતો મુજબ, બપોરે લગભગ પોણા બે વાગ્યે આ રોડ પરની રૂૂદ્રાક્ષ જ્વેલર્સ નામની દુકાનમાં માલિક પિતા-પુત્ર રાજુભાઈ પાટડિયા અને વિશાલ પાટડિયા હાજર હતા, ત્યારે પહેલાં બે શખ્સ ખરીદીના બહાને આવ્યા અને થોડી વાતો કર્યા બાદ એક જણે બંદૂક કાઢીને સામે સોફા પર બેઠેલા પિતાના માથે બંદૂક રાખીને ‘કંઈ ન બોલવા’ ધમકી આપ્યા બાદ બીજાએ પુત્ર પર અંકુશ મેળવ્યો, એ દરમિયાન બાકીના બે જણે દુકાનમાંથી માલ ભરી લીધો અને લૂંટીને જવા નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા એ દરમિયાન રાજુભાઈએ હિંમત દાખવી સામનો કરતાં અને પુત્રે પણ તુરત થડામાંથી બહાર આવી મજબૂત પ્રતિકાર કરતાં નિષ્ફળતા મળતી જોઈને આ શખ્સોએ ગોળીબાર કર્યો હતો, જેમાં સદભાગ્યે કોઈને ઈજા નથી પહોંચી અને એક લૂંટારો શખ્સ કાચ સાથે અથડાવાથી પડી ગયો અને પકડાવાની સાથે માલ ભરેલો થેલો પણ હાથમાં આવી જતાં મોટી લૂંટ થતી બચી ગઈ હતી.
આ સંબંધે પોલીસનો સંપર્ક સાધતાં સત્તાવાર નોંધ હજુ ન થયાનું જણાવતાં પ્રાથમિક વિગત આપી કે, ચાર બુકાનીધારી જેમાં એક બંદૂકધારી રૂૂદ્રાક્ષ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના ઇરાદે ઘૂસ્યા હતા અને ત્રણ રાઉન્ડ ફાયારિંગ થયાની જાણકારી મળી છે. પંકજ રામનરેશ શર્મા નામનો એક શખ્સ પકડાયો છે અને સારવાર હેઠળ છે, જ્યારે ત્રણ નાસી ગયા છે. પોલીસ અને ગુના શોધક ટુકડીએ તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ, આ જ્વેલર્સના રાજુ પાટડિયાએ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન જણાવ્યું કે, ચાર શખ્સ હતા. પ્રથમ બે અંદર આવ્યા.
બે પાસે બંદૂક હતી હું સામે સોફા પર હતો, વિશાલ સામે થડા પર હતો અને લૂંટીને બહાર નીકળતા હતા ત્યારે મેં ‘હવે જે થાય એમ’ માનીને સામનો કરતાં પકડી લીધા હતા અને તેઓએ ગભરાઈને ગોળીબાર કર્યો. પુત્ર વિશાલ પાટડિયાએ ઉમેર્યું કે, ‘કંઈ બોલશો નહીં, નહીં તો મારી નાખશું’ એવું કહીને જીવ લેવાના પ્રયાસ સાથે લૂંટનો પ્રયાસ થયો છે. પિતાએ એકને પકડી લીધો અને પ્રતિકાર શરૂૂ કર્યા બાદ હું જોડાયો અને થેલો પાછો આંચકી લેવાયો હતો. દરમિયાન, ઘટનાના પ્રત્યાઘાતમાં મોટી સંખ્યામાં વેપારીઓ તુરંત એકઠા થઈ અને તેમના કામકાજ બંધ રાખી સુરક્ષાની વ્યવસ્થા સજ્જડ બનાવવા માગણી ઉચ્ચારી હતી અને જણાવ્યું કે, મુંદરા માટે ગંભીર ચેતવણીરૂૂપ ઘટના છે.
બાઈક માધાપરથી ચોરાયું’તું
મુંદરાના આ સનસનીખેજ લૂંટના પ્રયાસના બનાવમાં પોલીસે છાનબિન દરમ્યાન લૂંટના ઉપયોગમાં લેવાયેલું બાઈક જપ્ત કર્યું છે, જેના પર નંબર પ્લેટ ન હતી, પરંતુ પગેરું દબાવાતાં આ બાઈક માધાપર-જૂનાવાસમાંથી ગઈકાલે રાત્રે જ ચોરી થયું હતું. આ અંગે બાઈક માલિકે માધાપર પોલીસને ફરિયાદ પણ લખાવી હતી.
