ગુજરાતમાં ફરી એકવાર ટ્રેનને નિશાન બનાવવાનું કાવતરું સામે આવ્યું છે. અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે, ટ્રેનના પાયલોટની સમયસૂચકતા અને સતર્કતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે અને એક મોટી હોનારત ટળી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરથી પોરબંદર જતી પેસેન્જર ટ્રેન જ્યારે અમરેલીના ચિતલ અને ખીજડિયા રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે આ અઘટિત ઘટના બની હતી. અસામાજિક તત્વો દ્વારા રેલવે ટ્રેક પર મોટા પથ્થરો ગોઠવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ટ્રેક પર ફેન્સિંગ માટે વપરાતો લોખંડનો પોલ પણ આડો મૂકી દેવામાં આવ્યો હતો, જેથી ટ્રેન પાટા પરથી ઉતરી જાય.
ટ્રેન જ્યારે આ પથ્થરો પરથી પસાર થઈ ત્યારે પાયલોટને અસામાન્ય અવાજ સંભળાયો હતો. જોખમ પારખી ગયેલા પાયલોટે તરત જ સતર્કતા દાખવી અને ટ્રેનની ગતિ પર કાબૂ મેળવી ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. ટ્રેન ટ્રેક પર મુકાયેલા લોખંડના પોલ સાથે અથડાય તે પહેલાં જ ઉભી રહી ગઈ હતી. જો પાઇલટે સહેજ પણ મોડું કર્યું હોત, તો ટ્રેન ઉથલી પડી હોત અને મોટી જાનહાનિ થઈ શકી હોત. “ટ્રેન ઊભી રાખ્યા બાદ ચાલકે પોતે જ નીચે ઉતરીને ટ્રેક પરથી પોલ અને અન્ય અવરોધો હટાવ્યા હતા અને તાત્કાલિક રેલવે વિભાગને આ અંગે જાણ કરી હતી.”
આ ઘટનાની જાણ થતા જ રેલવે સુરક્ષા બળ (RPF), સ્થાનિક પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ટ્રેન ઉથલાવવાનું સુનિયોજિત કાવતરું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ શરૂૂ કરવામાં આવી છે. ટ્રેક પર પથ્થરો અને પોલ કોણે મૂક્યા તે જાણવા માટે સ્થાનિક બાતમીદારોની મદદ લેવામાં આવી રહી છે. ઘટનાને પગલે રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ વધારી દેવાની સૂચના આપવામાં આવી છે. આ ઘટનાએ રેલવે સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. હાલમાં સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે અને દોષિતોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
