શાપરમાં બનેલી ઘટના; યુવકને ઘરમાં પૂરી દીધો છતાં હુમલાખોરોએ બહાર કાઢી માર માર્યાનો આક્ષેપ
શાપરમાં દસ દિવસ પૂર્વે યુવકને અજાણ્યા શખ્સો મારવા આવ્યા હતા. જેનો ખાર રાખી પાડોશમાં રહેતા યુવકને મને મારવા આવ્યા ત્યારે તું બચાવવા કેમ ન આવ્યો પાડોશી છો તો કામ ન આવ્યો તેમ કહીને માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલ શાંતિધામ સ્ટેશન રોડ પર રહેતા રમેશ ઉકાભાઇ ઝાલા નામનો 42 વર્ષનો યુવાન રામદેવનગરમાં હતો ત્યારે કાના અને તેની સાથેના શખ્સોએ પથ્થરમારો કરી છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીને એક મહિના પહેલા ઝઘડો થતા 10 જેટલા લોકો તેને ઘરે મારવા માટે આવ્યા હતા. જેનો ખાર રાખી હુમલાખોર શખ્સે ઇજાગ્રસ્ત રમેશ ઝાલાને મને મારવા આવ્યા ત્યારે તું બચાવવા કેમ ન આવ્યો પાડોશી છો તો કામ ન આવ્યો તેમ કહીને દારૂૂના નશામાં ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઘરમાં પુરી દીધો હોવા છતાં હુમલાખોર શખ્સોએ બહાર કાઢી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
