જેતપુરમાં ઘર પાસે હોર્ન મારનાર શખ્સને ઠપકો આપતાં કોન્ટ્રાકટર ઉપર હુમલો

જેતપુરના જલારામનગરમાં રહેતા એક બિલ્ડરના ઘર પાસે પાડોશીએ અવારનવાર હોર્ન વગાડીને ઘરે ડોકિયા કરવાની ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે બિલ્ડરે જેતપુર ઉદ્યોગનગર પોલીસ…

જેતપુરના જલારામનગરમાં રહેતા એક બિલ્ડરના ઘર પાસે પાડોશીએ અવારનવાર હોર્ન વગાડીને ઘરે ડોકિયા કરવાની ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે બિલ્ડરે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, જેતપુરના જલારામનગર-03 વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે બિલ્ડર દિનેશભાઈ વશરામભાઈ ચૌહાણ જ્યારે પોતાના ઘરે પરત ફર્યા હતા ત્યારે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.

ફરિયાદી દિનેશભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઘટનાના દિવસે તેઓ પોતાના બાંધકામ સાઈટ પરથી ઘરે પરત ફર્યા હતા. ત્યારે તેમના ઘર પાસે ભરતભાઈ ચાવડા નામના વ્યક્તિ તેમના પિતા સાથે બોલાચાલી કરતા હતા. આ દરમિયાન, પાડોશમાં રહેતો આરોપી સિધાર્થ રાજુભાઈ ચાવડા પોતાનું એક્ટિવા લઈને ત્યાંથી પસાર થયો હતો. સિધાર્થે ઘરની ડેલી પાસે આવીને જાણીજોઈને એક્ટિવા ધીમું પાડી હોર્ન વગાડ્યું હતું અને ઘરમાં ડોકિયા કર્યા હતા. ઘરમાં દીકરીઓ રહેતી હોય, દિનેશભાઈએ તેને અટકાવીને પૂછ્યું હતું કે, “તારે રોજ અહીં આવીને હોર્ન શા માટે વગાડવો છે અને મારા ઘરમાં ડોકિયા કેમ કરે છે?” આ સાંભળીને સિધાર્થ ઉશ્કેરાઈ ગયો હતો અને દિનેશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.

ઝઘડો વધતા સિધાર્થે તરત જ મોબાઈલ કાઢીને ફોન કરી પોતાના માતા-પિતાને બોલાવી લીધા હતા. દિનેશભાઈએ જ્યારે સિધાર્થના માતા-પિતાને તેને સમજાવવા માટે વિનંતી કરી, ત્યારે સિધાર્થ વધુ ગુસ્સે થઈ ગયો હતો.

તેણે દિનેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, “હવે તું એકલો બહાર નીકળજે, તને પતાવી દઈશ.” આટલી ધમકી આપીને સિધાર્થ પોતાનું કાળા રંગનું એક્ટિવા લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવના પગલે દિનેશભાઈએ ભયના માહોલમાં 112 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સિધાર્થ રાજુભાઈ ચાવડા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ-351(3) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *