બાઈકના ત્રણ હપ્તા ચડી જતાં સીઝ કરવાનું કહેતા આરોપીઓએ ટોળકી રચી માથાકૂટ કરી
મહિલા સહિત પાંચ સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, ચાંદીનો ચેન ખોવાઈ ગયાનો આક્ષેપ
જુના માર્કેટિંગ યાર્ડ નજીક સાગરનગર પાસે બાઇક સીઝ કરવા જતા ચા બનાવવાના તાવીથા અને ડોયા વડે હુમલો કર્યો હતો.જેમાં ત્રણને ઇજા પહોંચી હતી.જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત પાંચ શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.વધુ વિગતો મુજબ,કણકોટ રોડ પર લાલુભાઇ પારેખ ટાઉનશીપ ફલેટ નં. સી- 2 બ્લોક નં.705 માં રહેતા જૈનિશ મુકેશભાઇ ગોસ્વામી(ઉ.વ. 24) નામના યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરેશ જોગરાણા અને તેની સાથેના ચાર અજાણ્યા પુરૂૂષ અને એક અજાણી મહિલાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે રાજવીર એન્ટરપ્રાઇઝમાં છેલ્લા ત્રણેક મહિનાથી સીઝર તરીકે નોકરી કરે છે.
ગઇકાલે બપોરના સાડા બાર વાગ્યા આસપાસ તે જુના માર્કેટિંગ યાર્ડ પાસે ખટાર સ્ટેન્ડ નજીક હતો ત્યારે એક બાઇક ચાલક નીકળ્યો હતો. જેના નંબર જીજે3 એમએસ 6691 તેણે ઇઝી રિકવરી એપ્લીકેશનમાં નાખતા તેના ત્રણ વધુ હપ્તા ચડી ગયા હોય જેથી એલ.એન.ટી ફાઇનાન્સમાં જાણ કરતા આ બાઇક સીઝ કરવાનો ઓર્ડર આપ્યો હતો. જથી યુવાને બાઇક ચાલકને ઉભો રાખી તમારી બાઇક સીઝ કરવાનો ઓર્ડર છે તેમ કહેતા આ બાઇક ચાલકે પોતાનું નામ હરેશ જોગરાણા જણાવી કહ્યું હતું કે, હું અહીં દ્વારકાધીશ હોટલ બાજુમાં રહુ છુ તમે ત્યાં આવો આપણે ચા પાણી પી વાત કરીએ જેથી યુવાન તથા તેની સાથે એજન્સીમાં કામ કરનાર તેના મિત્રો નદીમ બેલીમ, સોહિલ સુરાણી તથા અભિષેક ગોસાઇને ફોનથી જાણ કરી યુવાન અને તેના મિત્રો સાગરનાગરના ખૂણે દ્વારકાધીશ હોટલ ગયા હતાં. અહીં હરેશ જોગરાણા તથા એક મહિલા અને ચાર પુરૂૂષો બેઠા હતાં.
આ વખતે યુવાને હરેશ જોગરાણાને બાઇક સીઝ કરવાનું કહેતા તેણે કહ્યું હતું કે, તમે લોકો જે કરતા હોય તે કરો અને અહીંથી નીકળી જાવ નહીંતર મજા નહીં આવે. હું મારી બાઇક નહીં આપું. આવુ કહેતા સાથે રહેલા નદીમે કહ્યું હતું કે ભાઇ તમે આટલા ગુસ્સે ન થાવ શાંતિથી વાત કરો આમ કહેતા જ આ લોકો ઉશ્કેરાઇ ગયા હતાં. અને જોરજોરથી બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતાં. દરમિયાન હરેશે અહીં હોટલમાંથી ડોયો લઇ આવી અભિષેક ગોસાઇને સાથળનાભાગે મારી દીધો હતો. સોહિલને ડાભા ખંભે ડોયો માર્યો હતો. દરમિયાન કોઇ શખસે ફરિયાદી યુવાન જૈનિસને કડું મારી દીધુ હતું.
એક શખસ ચા બનાવવાનો તાવીથો લઇને આવ્યો હતો અને અભિષેકને તેમજ સોહિલને આ તાવીથા વડે મારમાર્યો હતો. બાદમાં નદીમ સહિત ત્રણેયને આ શખસોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. યુવાને તેમના ઓનર યુવરાજસિંહને ફોન કરતા તેઓ કાર લઇને આવ્યા હતાં. અને યુવાનને કારમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. અભિષેક અને સોહિલને પણ આ હુમલામાં ઇજા પહોંચી હોય તેમને પણ સારવાર માટે ખસેડયા હતાં.
યુવાને વધુમાં જણાવ્યું હતું કે,આ ઝપાઝપીમાં સોહિલ સુરાણીએ ગળામાં ચાંદીનો ચેન કિં.રૂૂ.2300 પહેર્યો હોય તે કયાંક પડી ગયો હતો. આ અંગે યુવાને હરેશ જોગરાણા અને તેની સાથેના મહિલા સહિતના પાંચ અજાણ્યા શખસો સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
