ઉપલેટા શહેરમાં વહીવટી તંત્ર અને નગરપાલિકાની મિલીભગત તેમજ નબળી કામગીરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોલકી રોડ પર નવા બની રહેલા રસ્તા પર ડામર ભરેલું તોતિંગ ડમ્પર અચાનક જમીનમાં ધસી પડતા અફરાતફરી મચી ગઈ હતી. નવાઈની વાત એ છે કે આ ઘટના પોલીસ સ્ટેશનની બરાબર સામે જ બની હોવા છતાં તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું હતું.
થોડા સમય પહેલા જ નેતાઓ દ્વારા જે રસ્તાનું વાજતે-ગાજતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તે રસ્તો પ્રથમ દિવસે જ બેસી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ અહીં ભૂગર્ભ ગટર અને ’નલ સે જલ’ યોજના માટે ખોદકામ થયું હતું. પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય પુરાણ કે દબાવ કામ કર્યા વગર જ ઉપર ડામર પાથરી દેવામાં આવતા, ડમ્પરના વજનથી રસ્તો પત્તાના મહેલની જેમ બેસી ગયો હતો.
