467 ગ્રામ સોનું લઈ બંગાળથી પરત આવી આપી દઈશ,લાલચ આપી મોબાઈલ સ્વીચઓફ કરી નાખ્યો
રાજકોટ શહેરના જાણીતા સોની બજાર અને હાથીખાના મેઇન રોડ પર આવેલા ગોલ્ડ સુક બિલ્ડિંગમાં ’મોમાઇ ગોલ્ડ’ નામે સોની કામનો વેપાર કરતા બિમલભાઈ ભાવેશભાઈ ચલ્લા (ઉં.વ. 30, રહે. સાધુ ભાષવાણી રોડ, રાજકોટ) દ્વારા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, તેઓ છેલ્લા સાતેક વર્ષથી રાજકોટની સોની બજારમાં સવજીભાઈની શેરીમાં આવેલા જે.પી. ટાવરમાં ’અલી ગોલ્ડ’ નામે દુકાન ધરાવતા અને મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સોમરા ગામના વતની એસ.કે. ઓસ્માન અલી મુથુર અલી શેખને સોનાના દાગીના પોલિશિંગ માટે આપતા હતા. લાંબા સમયથી ધંધાકીય સંબંધો હોવાના કારણે ફરિયાદી બિમલભાઈનો આરોપી પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો અને તેઓ નિયમિતપણે તેને પોતાના દાગીના પોલિશ કરવા માટે આપતા હતા.
આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને આરોપી એસ.કે. ઓસ્માન અલી શેખે વર્ષ 2025 દરમિયાન ફરિયાદી પાસેથી જુદી જુદી તારીખોએ કુલ 467.390 ગ્રામ જેટલું 22 કેરેટ સોનું પોલિશ કામ માટે મેળવ્યું હતું. વિગતો મુજબ, તારીખ 06 જુલાઈ 2025ના રોજ 164.580 ગ્રામ, તારીખ 11 જુલાઈ 2025ના રોજ 190.250 ગ્રામ અને તારીખ 18 જુલાઈ 2025ના રોજ 112.560 ગ્રામ વજનની સોનાની બાલી પોલિશ કરવા માટે આપવામાં આવી હતી. આ તમામ દાગીના મળીને કુલ 467.390 ગ્રામ સોનું થાય છે, જેની વર્તમાન બજાર કિંમત આશરે રૂૂ. 68,79,980/- (અડસઠ લાખ ઓગણએસી હજાર નવસો એંસી) જેટલી થાય છે. નિયમ મુજબ 100 ગ્રામ દાગીના પોલિશ કરવાની મજૂરી પેટે 500 મિલિગ્રામ સોનું આપવાનું નક્કી થયેલું હતું, પરંતુ આરોપીએ કામ પૂર્ણ થયા બાદ પણ સોનું પરત કર્યું ન હતું.
જ્યારે ફરિયાદી બિમલભાઈએ વેપાર અર્થે પોતાનું સોનું પરત માગ્યું, ત્યારે આરોપીએ અવારનવાર ખોટા બહાના કાઢી સમય પસાર કરવાનું શરૂૂ કર્યું હતું. આશરે બે મહિના પહેલા ફરિયાદીએ ફરીથી કડક ઉધરાણી કરતા આરોપીએ એવું જણાવ્યું હતું કે તે પોતાના વતન કલકત્તા (પશ્ચિમ બંગાળ) જઈ રહ્યો છે અને ત્યાંથી પરત આવીને સોનું પાછું આપી દેશે. જોકે, ત્યારબાદ આરોપી પોતાનો ફોન બંધ કરીને વતનમાં ભાગી ગયો હતો અને લાંબો સમય વિતવા છતાં પરત ન આવતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે બિમલભાઈ ચલ્લાએ રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 316(5) હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. ચાવડાએ આરોપીને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
