શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સની ટીમ IPL 2026માં ધમાલ મચાવી રહી છે. બેટિંગ હોય કે બોલિંગ, પંજાબ કિંગ્સે દરેકમાં પ્રભુત્વ જમાવ્યું છે. આ જ કારણ છે કે, આ સીઝનમાં પંજાબની ટીમ અત્યાર સુધી અજેય છે. પંજાબનો છેલ્લો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સામે હતો. આ મેચમાં પંજાબે લખનઉને 54 રને હરાવ્યું હતું. ટીમમાં આ શાનદાર પ્રદર્શનથી ઓનર પ્રીતિ ઝિન્ટા પણ ઘણી ખુશ જોવા મળી હતી.
મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં જીત બાદ પ્રીતિ ઝિન્ટા પોતાની ટીમના દરેક પ્લેયરને મળી હતી. આ દરમિયાન જ્યારે તે અર્શદીપ સિંહને મળી તો તેણે પંજાબના ફાસ્ટ બોલરને ગળે લગાવી લીધો હતો. ત્યારબાદ અર્શદીપ સિંહનું જે રિએક્શન હતું તે જોવા જેવું હતું. અર્શદીપ સિંહ એક નાના બાળકની જેમ ખુશીથી ઉછળી પડ્યો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
IPL 2026માં અર્શદીપ સિંહ જોરદાર બોલિંગ કરી રહ્યો છે. જોકે, તેના નામે 6 મેચમાં માત્ર 6 વિકેટ જ છે, પરંતુ તેણે વિરોધી ટીમના બેટ્સમેનોને બાંધી રાખવાનું કામ કર્યું છે, જેના કારણે ટીમના અન્ય બોલરો પર વધુ દબાણ નથી પડી રહ્યું. આના કારણે ટીમે બોલિંગમાં અત્યાર સુધીના મુકાબલામાં શાનદાર રમત બતાવી છે.
