આમજનતા સામે ડંડાગીરી, નેતાઓ સામે લાચારી!

રાજકોટ પોલીસના અલગ અલગ સ્વરૂપ : શહેર ભાજપના ધરણામાં નેતાઓ ઉઘાડા માથે છતા કોઇ કાર્યવાહી નહીં એબીવીપીની રેલીમાં વાહનો ઉપર સ્ટંટબાજી કરી કાયદાના લીરા ઉડાવ્યા,…

રાજકોટ પોલીસના અલગ અલગ સ્વરૂપ : શહેર ભાજપના ધરણામાં નેતાઓ ઉઘાડા માથે છતા કોઇ કાર્યવાહી નહીં

એબીવીપીની રેલીમાં વાહનો ઉપર સ્ટંટબાજી કરી કાયદાના લીરા ઉડાવ્યા, પોલીસ જોતી રહી!

રાજકોટ શહેરમાં ગઇકાલે હેલમેટ નહીં પહેરનાર વાહન ચાલકો ઉપર પોલીસ રીતસર તુટી પડી હતી અને એકજ દિવસમાં 3500 જેટલા વાહન ચાલકોને દંડ ફટકારતા લોકોમાં ભારે દેકારો મચી ગયો હતો. તેજ સમયે પોલીસના બે ચહેરા જોવા મળ્યા હતા. સામાન્ય વાહન ચાલકો સામે દંડા પછાડીને દંડ ઉઘરાવતી પોલીસ ગઇકાલે શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં યોજાયેલ ધરણા સમયે આંખો મીચીને બંદોબસ્તમાં ગોઠવાઇ ગઇ હતી. આજ રીતે ભાજપની જ વિદ્યાર્થી પાંખ એવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલ વાહન રેલીમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમોના લીરા ઉડાવ્યા હતા પરંતુ પોલીસ તેની સામે લાચાર દેખાતી હતી.

ગઇકાલના કલાઇમેટસનો પ્રથમ સીન સાંજે સાત વાગ્યા સુધી જોવા મળ્યો જેમાં 500 જેટલા પોલીસ કર્મચારીઓ સવારથી 38 પોઇન્ટ ઉપર ઉતરી પડયા હતા અને સાંજ સુધીમાં પોલીસે 3500 જેટલા વાહન ચાલકોને હેલમેટ નહીં પહેરવા બદલ 12 લાખનો દંડ ફટકારી કડક અમલના દર્શન કરાવ્યા હતા.

પરંતુ સાંજે પાંચ વાગ્યે બીજો સીન ભજવાયો જેમાં પોલીસના અલગ જ સ્વરૂપના દર્શન થયા. શહેર ભાજપ દ્વારા કિસાનપરા ચોક ખાતે રાહુલ ગાંધીના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના અનેક કાર્યકરો- આગેવાનો હેલમેટ પહેર્યા વગર ઉઘાડા માથે વાહનો લઇને આવ્યા હતા પરંતુ પોલીસે ત્યાન દંડના દંડા પછાડવાના બદલે માત્ર બંદોબસ્ત જ જાળવ્યો હતો. ત્રીજો સીન પણ ગઇકાલે જ જોવા મળ્યો, જેમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરોએ વાહન રેલી કાઢી હતી. આ રેલીમાં જીપ અને કાર જેવા વાહનોમાં ટીંગાઇને જોખમી રીતે કાર્યકરો સીનસપાટા કરતા જોવા મળ્યા હતા. કાળા કાચવાળા વાહનોમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડયા હતા છતાં પોલીસ કોઇ કાર્યવાહીના બદલે માત્ર સ્ટંટબાજ કાર્યકરોને સમજાવતી નજરે પડી હતી.

હેલ્મેટનો કાયદો રદ કરવા ભાજપ લીગલ સેલ પણ મેદાને
રાજકોટ સહિત રાજ્યભરમાં હેલમેટનો કાયદો ફરજિયાત કરવાનો નિર્ણયને પગલે પોલીસ તંત્ર પથમ દિવસે હેલ્મેટ વિનાના વાહન ચલાવતા ટુ-વ્હીલર ઉપર તૂટી પડી હતી અને દંડ વસૂલવાની ડ્રાઈવ ચલાવી હતી. જેથી શહેરમાં સિનિયર સિટીઝનો ,સામાન્ય નાગરિક ની અને વકીલો સહિતના વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ટુ વ્હીલરને પડતી મુશ્કેલી ની નોંધ લઈ જેને પગલે શહેરી વિસ્તારમાં હેલમેટને નાબૂદ કરવા માંગણી સાથે રાજકોટ ભાજપ લીગલ સેલે રાજકોટ શહેર પ્રમુખ, ધારાસભ્યો, અને સાસંદ ને આ અમલવારી માં દરમિયાનગીરી કરવા રજૂઆત કરેલ. અને શહેરી વિસ્તારમાં હેલ્મેટ ની અમલવારી મોકૂફ રાખવી તેવું ગુજરાતમાં સરકાર માં રજુઆત કરવાની હૈયા ધારણા આપવામાં આવી છે. જો શહેરી વિસ્તારોમા હેલ્મેટ ના કાળા કાયદા ની અમલવારી મોકૂફ રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હેલ્મેટ નો વિરોધ કરી અને લડત નું રણસિંગું ફુંકવામાં આવશે તેમ શહેર ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઈ શાહ અને સહસંયોજક કમલેશભાઈ ડોડીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે

‘બહુ કરી ટોપાવાળી હવે કરીશું વિસાવદરવાળી’

રાજકોટમાં હેલમેટ વિરોધી ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને લોકો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી રહયા છે. તેવામાં એક યુવાને માથે હેલમેટ પહેરી ‘બહુ કરી ટોપાવાળી હવે કરીશુ વિસાવદરવાળી’ લખેલુ પોસ્ટર હાથમાં લઇ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને હેલમેટના કાયદાના વધુ પડતા કડક અમલ સામે ગર્ભિત ચેતવણી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *