સુરતમાં ‘આપ’નો સફાયો, 27માંથી 4 બેઠક થઇ ગઇ

ગુજરાતના રાજકારણના મક્કા ગણાતા અને ’આપ’નો અભેદ્ય ગઢ મનાતા સુરત મહાનગરપાલિકામાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. 2021ની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરનાર આમ આદમી પાર્ટી (અઅઙ)…

ગુજરાતના રાજકારણના મક્કા ગણાતા અને ’આપ’નો અભેદ્ય ગઢ મનાતા સુરત મહાનગરપાલિકામાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. 2021ની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરનાર આમ આદમી પાર્ટી (અઅઙ) આ વખતે ધરાશાયી થઈ છે. 120 બેઠકો ધરાવતી સુરત મનપામાં ભાજપે *115 બેઠકો પર વિજય મેળવીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. જયારે કોંગ્રેસે માંડ પોતાનું ખાતું ખોલાવીને 1 બેઠક મેળવી છે.

ગયા વખતે વિરોધ પક્ષ તરીકે બેસનાર આમ આદમી પાર્ટીના આટલા ખરાબ પ્રદર્શન પાછળ રાજકીય વિશ્ર્લેષકો અનેક કારણો જવાબદાર ગણાવી રહ્યા છે. જે મુજબ ચૂંટણી પ્રચાર દરમિયાન ’આપ’ના પાયાના કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ 2021માં હતો, તે આ વખતે જોવા મળ્યો નહોતો. સંગઠનમાં અંદરોઅંદરની ખેંચતાણને કારણે કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરવાને બદલે નિષ્ક્રિય રહ્યા હોય તેવું જણાય છે.

રાજકારણમાં કહેવાય છે કે જે પક્ષ મતદારને ઘરની બહાર કાઢી પોલિંગ બુથ સુધી લઈ જાય તેની જીત નક્કી હોય છે. ’આપ’ના કાર્યકર્તાઓ મતદારોને રીઝવવામાં અને બુથ સુધી પહોંચાડવાની વ્યૂહરચનામાં ભાજપ સામે પાછળ રહી ગયા, જેનું સીધું પરિણામ ઓછી બેઠકોમાં જોવા મળ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા વોર્ડમાં ’આપ’ દ્વારા એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જેમનાથી સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ નારાજ હતા. પાયાના કાર્યકરોને અવગણીને કરવામાં આવેલી પસંદગી પાર્ટીને ભારે પડી છે.

સુરતમાં પાર્ટી પાસે જે જાણીતા ચહેરાઓ હતા, તેમાંથી કેટલાક પક્ષ છોડી ગયા અથવા તો તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો. ભાજપ સામે ટક્કર લઈ શકે તેવા મજબૂત અને પ્રભાવશાળી સ્થાનિક નેતૃત્વની ખોટ આ ચૂંટણીમાં સાલી છે.

રાજકીય પંડિતોનું માનવું છે કે દરેક બાબતમાં વિરોધ કરવાની રાજનીતિ સુરતની જનતાને ગમી નથી. રચનાત્મક વિરોધને બદલે આક્રમક અને નકારાત્મક અભિગમ અપનાવવો ’આપ’ માટે આત્મઘાતી સાબિત થયો છે.

ભાજપે ગયા વખતની હારમાંથી બોધપાઠ લઈને પેજ પ્રમુખથી લઈને વોર્ડ લેવલ સુધી લોખંડી સંગઠન ઊભું કર્યું હતું. ભાજપની ગ્રાઉન્ડ પરની પકડ અને માઈક્રો મેનેજમેન્ટ સામે ’આપ’ની રણનીતિ વામણી પુરવાર થઈ છે. સુરતના આ પરિણામો આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ માટે નવા સંકેત આપી રહ્યા છે. ’આપ’ માટે આ આત્મમંથનનો સમય છે, જ્યારે ભાજપ માટે આ વિજય તેમના પર લોકોના અતૂટ વિશ્વાસની મહોર સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *