જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહણ આંટાફેરા મારતા હોવાની ઘટનાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. સિંહણના ફૂટપ્રિન્ટ તેમજ વીડિયો લોકેશનના આધારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ હડમતીયા નજીક સિંહણની હાજરી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
હડમતીયા ગામના વાડી વિસ્તારમાં સિંહણ જોવા મળતાં ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે વન વિભાગે લોકોને ગભરાવાની જરૂૂર નહીં હોવાનું જણાવી સતર્ક રહેવા અપીલ કરી છે. વન વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે અને સિંહણની હિલચાલ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
દરમિયાન વન વિભાગે ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખેડૂતો પોતાના ખેતરોમાં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક શોકવાળા તાર હાલ બંધ રાખે તેમજ ખેતરોમાં આવેલા ખુલ્લા કૂવાઓની ફરતે કામચલાઉ દિવાલ કે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે તેવી અપીલ કરવામાં આવી છે, જેથી સિંહણ સહિતના વન્યપ્રાણીઓને કોઈ નુકસાન ન થાય.
વન વિભાગે જણાવ્યું છે કે, સિંહણ વિનાકારણ કોઈ માનવીને રંજાળતા નથી. સિંહ જાતી ના પ્રાણીનું આપણા વિસ્તારમાં આગમન એ આપણું ગૌરવ છે, અને તેની રક્ષા કરવી એ આપણી સૌની ફરજ છે. તેથી ગ્રામજનોએ સિંહને જોવા માટે ટોળા વળવા કે તેની પાછળ જવા સહિતની કોઈપણ હરકત ન કરવી અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
