રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE Right to Education)હેઠળ શૈક્ષણિક વર્ષ 2026- 27 માટે ધોરણ-1 માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી તા. 4 એપ્રિલ 2026 થી શરૂૂ થઈ રહી છે અને તા. 17 એપ્રિલ 2026 સુધી ચાલુ રહેશે.
આ પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા અને જરૂૂરિયાતમંદ પરિવારોને સહાયરૂૂપ થવા માટે રાજકોટ વિધાનસભા 70 દક્ષિણના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના કાર્યાલય ખાતે એક વિશેષ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. તા. 4 એપ્રિલ 2026 થી 17 એપ્રિલ 2026 સુધી દરરોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી ધારાસભ્યશ્રીના ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ ખાતે આવેલા કાર્યાલયે નિ:શુલ્ક ઓનલાઈન ફોર્મ ભરી આપવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. કાર્યાલય ખાતે સ્ટાફ દ્વારા વાલીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેથી કોઈપણ ટેકનિકલ અડચણ કે ભૂલ વિના અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. વાલીઓએ અરજી સાથે રહેઠાણનો પુરાવો, બાળક અને વાલીનું આધાર કાર્ડ, જન્મનો દાખલો, આવકનું પ્રમાણપત્ર (ગામડા માટે ₹1.20 લાખ અને શહેર માટે ₹1.50 લાખ સુધીની મર્યાદા), જાતિનો દાખલો (લાગુ પડે તો), બેંક પાસબુકની નકલ અને બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો જેવા જરૂૂરી દસ્તાવેજો સાથે રાખવા અનિવાર્ય છે.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રાજકોટના તમામ વાલીઓને હૃદયપૂર્વક અપીલ કરી છે કે તેઓ આ યોજનાનો મહત્તમ લાભ લે અને પોતાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણના પ્રવાહમાં જોડે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટેનું મજબૂત આધારસ્તંભ છે. શિક્ષિત સમાજ જ સશક્ત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે છે, માટે આ સમયમર્યાદામાં અરજી કરી સરકારની આ મહત્વપૂર્ણ સુવિધાનો લાભ લેવા સમગ્ર જિલ્લાના વાલીઓને વિનંતી કરવામાં આવે છે.
