હળવદના કડિયાણા ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, તલવાર-કુહાડીથી હુમલો

હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. 9 માર્ચના રોજ સાંજે 4:30…

હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. 9 માર્ચના રોજ સાંજે 4:30 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં છરી, તલવાર, કુહાડી અને લોખંડના પાઇપ જેવા હથિયારો ઉડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામં વાઈરલ થયો છે. આ સંઘર્ષમાં બંને પક્ષના લોકો લોહીલુહાણ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હળવદ પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કડીયાણાના દેવીપુજક વાસમાં રહેતા જશીબેન કાળુભાઈ વાઘેલા (47)એ મહાદેવ કાળુ કોળી, સામત મહાદેવ કોળી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ મુજબ, આરોપીઓએ સમાધાનના બહાને બોલાવી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ છરી, તલવાર અને કુહાડી વડે હુમલો કરી જશીબેનને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમના પુત્ર નવઘણને પણ છાતી અને પેટના ભાગે હથિયારોના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

બીજી તરફ, રાયધ્રા ગામના મહાદેવ કાળુ દેત્રોજા (40)એ નવઘણ કાળુ દેવીપુજક અને વિક્રમ (બંને રહે. કડીયાણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, અગાઉની અદાવતમાં નવઘણે ફોન પર ગાળો આપી હતી. આ બાબતે વાતચીત કરવા માટે માથક ચોકડી પાસે એકઠા થયેલા પક્ષો વચ્ચે વિવાદ વકર્યો હતો. આ દરમિયાન નવઘણે લોખંડના પાઇપથી મહાદેવના હાથમાં ઈજા કરી હતી, જ્યારે વિક્રમે લાકડાના ધોકા વડે મહાદેવ અને સામતને આડેધડ માર માર્યો હતો. હુમલામાં મહાદેવને માથા અને હાથના ભાગે તથા સામતને કાન પાસે ઈજાઓ પહોંચી છે.

આ હિંસક અથડામણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. જાહેરમાં થયેલી આ મારામારીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. હળવદ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા તજવીજ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *