સુરતના પાટીદાર વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટર લાગ્યા

મહાપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો, પાંચ ફરિયાદો નોંધાઈ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં મહાનગર પાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. જોકે, ચૂંટણી…

મહાપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો, પાંચ ફરિયાદો નોંધાઈ

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં મહાનગર પાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. જોકે, ચૂંટણી જાહેર થાય તે પહેલા જ શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. શહેરના પાટીદાર વિસ્તારોમાં રાતોરાત ભાજપ વિરોધી પોસ્ટરો લાગતા સત્તાધારી પક્ષ અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે ભાજપના યુવા નેતા અલ્પેશ કથિરીયાએ સીધો જ આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કર્યો છે, જ્યારે પોલીસે શહેરના 5 અલગ-અલગ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતના પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારો જેવા કે વરાછા, કતારગામ, પુણા, ઉત્રાણ અને પાંડેસરામાં અચાનક ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળ્યા હતા. રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ શહેરના મુખ્ય સર્કલો, ઓવરબ્રિજની દીવાલો અને વીજપોલ પર આ પોસ્ટરો ચીપકાવી દીધા હતા. રવિવારની સવારે જ્યારે લોકો ઘરની બહાર નીકળ્યા ત્યારે ઠેર-ઠેર મોંઘવારીથી હવે તો થાક્યા અને મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા જેવા લખાણો સાથે ભાજપના પ્રતીક ‘કમળ’ પર લાલ ચોકડી મારેલા પોસ્ટરો નજરે પડ્યા હતા. આ ઘટનાને પગલે રાજકીય આલમમાં ચર્ચાઓ જાગી હતી અને ભાજપના સ્થાનિક નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો.

સુરત જેવા સંવેદનશીલ શહેરમાં રાતોરાત આટલી મોટી સંખ્યામાં પોસ્ટરો લાગી જાય અને પોલીસ કે ગુપ્તચર વિભાગને તેની ગંધ પણ ન આવે, તે બાબત હવે ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટરોને કારણે રાજ્યભરમાં સુરત ભાજપ અને પોલીસ તંત્રની આબરૂૂનું ધોવાણ થયું હોવાની લાગણી કાર્યકરોમાં જોવા મળી રહી છે. જેના પગલે હવે પોલીસ એક્શન મોડમાં આવી છે.

ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં સફેદ રંગની ફોર વ્હીલ ગાડીમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોને પકડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેરના ચારથી પાંચ મુખ્ય પોલીસ મથકોમાં અલગ-અલગ ફરિયાદો નોંધાવવામાં આવી છે. પુણાગામ, કતારગામ, પાંડેસરા, ડીંડોલી અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 336(4) અને 54 તેમજ ‘ધી પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન બુક્સ એક્ટ’ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રેસના નામ અને સરનામા વગર વાંધાજનક સામગ્રી છાપવી અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું એ ગંભીર ગુનો છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

અલ્પેશ કથીરિયાનો ’આપ’ પર સીધો આક્ષેપ
ભાજપના યુવા નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયાએ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, આ નીચલી કક્ષાની રાજનીતિ આમ આદમી પાર્ટીના ટિકિટ વાંચ્છુકો અને સક્રિય કાર્યકરોનું કૃત્ય છે. જે લોકો આગામી મનપા ચૂંટણીમાં ટિકિટ મેળવવાના દાવેદાર છે, તેઓએ પોતાની હાજરી નોંધાવવા અને શહેરનું વાતાવરણ ડહોળવા માટે આ પ્રકારના પ્રોપેગન્ડા પોસ્ટરો લગાવ્યા છે. પોલીસે આ મામલે કિરીટ પાનસુરીયા ઉર્ફે કેપી, દેવસીભાઇ ઢેબરીયા, ચિરાગ નાવડીયા અને વિશાલ ભીખાભાઇ ચાવડા જેવા શખ્સો સામે ગુના દાખલ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *