કેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યા

કેનેડાથી ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીની હત્યાના દિલ હચમચાવી નાંખે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલા મધ્યપ્રદેશના ઉજ્જૈનના…

કેનેડાથી ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીની હત્યાના દિલ હચમચાવી નાંખે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલા મધ્યપ્રદેશના ઉજ્જૈનના 23 વર્ષીય ગુરકિરાતસિંહ મનોચાની કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ઉજ્જૈનમાં રહેતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના કેનેડાના ફોર્ટ સેન્ટ જોન શહેરમાં બની હતી. ગુરકિરાતસિંહ પર યુવાનોના એક અજાણ્યા જૂથ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ અને પ્રાથમિક અહેવાલો અનુસાર, હુમલાખોરોએ ગુરકિરાતને ઘેરી લીધો હતો અને ત્યારબાદ તેના પર વાહન ચઢાવી દઈ તેને કચડી નાખ્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા ગુરકિરાતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ગુરકિરાતસિંહ મનોચા કેનેડાની નોર્ધન લાઈટ્સ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો અભ્યાસ કરી રહ્યો હતો. તેના મિત્રો અને પરિચિતોના જણાવ્યા અનુસાર, તે ખૂબ જ તેજસ્વી અને મિલનસાર સ્વભાવનો હતો. વિદેશની ધરતી પર તેની આ પ્રકારે થયેલી હત્યાએ વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.

ગુરકિરાતના મોતના સમાચાર મળતા જ ઉજ્જૈનમાં તેના નિવાસસ્થાને માતમ છવાઈ ગયો છે. આર્થિક રીતે સધ્ધર ભવિષ્ય માટે દીકરાને સાત સમંદર પાર મોકલનાર માતા-પિતા હવે તેના પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યા છે. પરિવારના સભ્યોએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે ન્યાયની માંગ કરી છે અને દોષિતોને વહેલી તકે પકડવા વિનંતી કરી છે. કેનેડા પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે અને હુમલાખોરોને શોધવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. હજુ સુધી હુમલા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *