વધુ એક રિક્ષા ગેંગ સક્રિય : ચાની હોટલના સંચાલકના ખિસ્સામાંથી 9,800 સેરવી લીધા

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધ વેપારીને બેધ્યાન કરી, તેમની બાજુમાં બેસેલા અજાણ્યા મુસાફરોએ ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની…

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધ વેપારીને બેધ્યાન કરી, તેમની બાજુમાં બેસેલા અજાણ્યા મુસાફરોએ ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિગતો મુજબ, શક્તિનગર સોસાયટીમાં રહેતા અને વિરાણી અઘાટમાં ચાની હોટેલ ચલાવતા 61 વર્ષીય નટવરલાલ નરશીભાઈ જોષી ગત તારીખ 22/04ના રોજ સવારે સાડા દસેક વાગ્યે પોતાના ઘરેથી હોટેલ જવા નીકળ્યા હતા. તેઓએ પોતાના ભત્રીજાને આપવા માટે રૂૂ. 9,800 રોકડા પોતાના પેન્ટના જમણી બાજુના ખિસ્સામાં રાખ્યા હતા.

ફરિયાદી નટવરલાલભાઈએ સાપર બાજુથી આવતી એક પીળા હુડવાળી જૂની સી.એન.જી. રિક્ષામાં ગોંડલ ચોકડી સુધી જવા માટે બેઠક લીધી હતી. રિક્ષામાં પાછળની સીટ પર જમણી બાજુ એક સ્ત્રી અને ડાબી બાજુ એક પુરુષ બેઠેલા હતા, જે બંનેની ઉંમર આશરે 30 વર્ષ જેવી હતી. ફરિયાદી આ બંનેની ડાબી બાજુએ બેઠા હતા. રિક્ષા જ્યારે જાગનાથ માર્બલની સામે પહોંચી અને ફરિયાદી ત્યાં ઉતર્યા, ત્યારે તેમને જાણ થઈ કે તેમના ખિસ્સામાં રાખેલ રૂૂ. 9,800 ગાયબ છે. રિક્ષામાં સાથે બેસેલા આ અજાણ્યા સ્ત્રી અને પુરુષે જ નજરચૂકવીને આ રકમની ચોરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે નટવરલાલભાઈએ આજીડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 173 હેઠળ પ્રથમ માહિતી અહેવાલ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર મદીપ વ્રજલાલ મારવણીયાને સોંપવામાં આવી છે. શહેરમાં વધતી જતી રિક્ષા ગેંગની સક્રિયતાને જોતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીદારોના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *