સુરત એરપોર્ટ પર વિમાનની સુરક્ષા સાથે ચેડાં થવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા વિમાન પર ગ્રીન લેઝર લાઈટ ફેંકવામાં આવી હતી. ગત 15 દિવસમાં આ પ્રકારની બીજી ઘટના બનતા તંત્ર હરકતમાં આવી ગયું છે. પાયલટની સમયસૂચકતા અને સતર્કતાને કારણે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ શક્ય બન્યું હતું, અન્યથા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી.
સુરત જેવા સંવેદનશીલ વિસ્તારમાં ટૂંકા ગાળામાં લેઝર લાઈટની ઘટનાઓનું પુનરાવર્તન થવું એ સુરક્ષા સામે મોટો પડકાર છે. કતારગામ બાજુથી મારવામાં આવેલી આ લેઝર લાઈટ પાયલટની આંખોમાં પડવાથી વિમાનના સંચાલનમાં ભારે જોખમ ઊભું થાય છે.
વારંવાર બનતી આવી ઘટનાઓ પાયલટોની એકાગ્રતા ભંગ કરે છે અને સુરક્ષિત ઉડ્ડયન પ્રક્રિયા માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે. સ્થાનિક રહીશો પણ આ પ્રકારની બેજવાબદાર પ્રવૃત્તિથી ભયભીત બન્યા છે.આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી અને સુરત પોલીસ દ્વારા કડક પગલાં ભરવાની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે. પોલીસ એવી વ્યક્તિઓને શોધી રહી છે જેઓ પ્લેનની દિશામાં જાણીજોઈને લેઝર લાઈટ ફેંકી રહ્યા છે. કતારગામ વિસ્તારમાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકે અને વિમાનમાં મુસાફરી કરતા હજારો મુસાફરોનો જીવ સુરક્ષિત રહે. દોષિતો સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
